અરે ઓ સાંભા, બાઝાર મેં કિતને કોરોનાવાલે હૈં?

30 July, 2020 07:20 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અરે ઓ સાંભા, બાઝાર મેં કિતને કોરોનાવાલે હૈં?

પેટલાદ નગરપાલિકા દ્વારા જનજાગૃતિ ફેલાવવા માટે માસ્ક પહેરવા ફિલ્મી વિલનોના ડાયલૉગ્સને માસ્ક સાથે જોડીને નગરમાં જુદાં-જુદાં સ્થળોએ પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગુજરાતમાં આવેલી પેટલાદ નગરપાલિકાએ આવકારદાયક અને નવતર પ્રયોગ અપનાવ્યો છે. પેટલાદમાં ફિલ્મના હીરોના નહીં, પરંતુ વિલનના ડાયલૉગ્સ સાથે કોરોના સામે જાગૃતિ ફેલાવવા પોસ્ટર લગાવ્યાં છે. ગબ્બરસિંહ, મોગૅમ્બો જેવા લોકપ્રિય બનેલા વિલનના પ્રસિદ્ધ ડાયલૉગ્સને માસ્ક સાથે સાંકળી લઈને કોરોનાની મહામારીમાં નગરજનોને માસ્ક પહેરવા મેસેજ આપ્યો, જે આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે સફળ બન્યો છે.

‘અરે ઓ સાંભા, બાઝાર મેં કિતને કોરોનાવાલે હૈં?’, ‘બિના માસ્ક કા મોગૅમ્બો? કોરોના ખુશ હુઆ...’ જેવા ગબ્બરસિંહ, સાંભા, કાલિયા તેમ જ મોગૅમ્બોના ફેમસ થયેલા ડાયલૉગ્સને માસ્ક સાથે જોડી દઈને કોરોનો સામે અવેરનેસ ફેલાવવા માટે પેટલાદમાં જ્યાં પબ્લિકની અવરજવર વધુ રહેતી હોય એવાં સ્થળોએ પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.

પેટલાદ નગરપાલિકાનાં ચીફ ઑફિસર હીરલબહેન ઠાકરે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પબ્લિકમાં જાગૃતિ લાવવા માટે આ પોસ્ટરો લગાવ્યાં છે અને માસ્ક પહેરવો જોઈએ એવો મેસેજ આપ્યો છે. પબ્લિકને સલાહ આપો તો મોટા ભાગે ગમતી નથી પણ તેમને જે વસ્તુ પ્રત્યે આકર્ષણ થતું હોય, જેનાથી ધ્યાન ખેંચાતું હોય એનો પ્રયોગ કરો તો પબ્લિક એ જુએ છે, સ્વીકારે છે. એટલે જાગૃતિ માટે ફિલ્મી ડાયલૉગ્સનો પ્રયોગ કર્યો છે. અમે હીરોના ડાયલૉગ્સ મૂક્યા હોત, પણ અમારે મેસેજ આપવો હતો કે જો તમે માસ્ક નથી પહેરતા તો તમે શહેરના મોટા વિલન છો.’

ઉલ્લેખનીય છે કે પેટલાદમાં પંચાવન હજારથી વધુ વસ્તી છે અને અત્યાર સુધીમાં કોરોનાના ૨૫ જેટલા કેસ નોંધાયા છે.

gujarat coronavirus covid19 shailesh nayak