Coronavirus Outbreak Gujarat Update: રાજ્યમાં નવા કેસિઝનો આંકડો 398

20 May, 2020 09:45 PM IST  |  Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak Gujarat Update: રાજ્યમાં નવા કેસિઝનો આંકડો 398

ફાઇલ તસવીર

 

ગુજરાતમાં લૉકડાઉનનાં ચોથા તબક્કામાં જે રીતે લોકોએ ભીડ એકઠી કરી અને ઠેર ઠેર લોકો ઉમટી પડ્યાં તેના પરિણામ પણ રાજ્ય સરકાર જે આંકડા જાહેર કરે છે તેમાં દેખાઇ આવે છે. ગુજરાત રાજ્યમાં નવા 398 કેસ નોંધાયા છે. જ્યારે 30 દર્દીના મોત નીપજ્યાં છે અને 176 દર્દીઓ સાજા થતાં તેમને ઘરે જવાની રજા અપાઇ છે. કોરોનાની અપડેટ વિગતો જણાવતાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે,રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12539 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુંઆંક 749એ પહોંચ્યો છે અને 5219 દર્દીને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસિઝમાં અમદાવાદમાં 271, સુરતમાં 37, વડોદરામાં 26, મહીસાગર અને પાટણમાં 15-15, કચ્છમાં 4, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી અને સુરેન્દ્રનગર દરેક જિલ્લામાં 3, બનાસકાંઠા, ખેડા, આણંદ, વલસાડમાં 2-2, જામનગર, ભરૂચ, દાહોદ, જૂનાગઢ અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયો છે. આજે નોંધાયેલા 30 મોતમાં 15નું માત્ર કોરોનાથી તો 15 મૃતક દર્દી અન્ય બીમારી પણ ધરાવતા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 12539 કેસ નોંધાયા છે. જેમાંથી 47 વેન્ટિલેટર પર છે, 6524 સ્થિર હાલતમાં છે.

ગાંધીનગરમાં આ વિસ્તાર કન્ટેઇનમેન્ટ એરિયા

ગાંધીનગરના સેક્ટર 22માં કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને સેક્ટર 22માં સુવિધા કચેરી તેમજ પોસ્ટ ઑફિસ નજીક આવેલા છ ટાઇપના સરકારી બ્લોક નં. 1થી 13માં આવેલા સમગ્ર વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રીએ શરૂ કર્યું હું પણ કોરોના વૉરિયર અભિયાન

એક અઠવાડિયા ચાલનારા હું પણ કોરોના વૉરિયર અભિયાનની શરૂઆત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી અને તેમણે કહ્યું કે આગામી અઠવાડિયામાં વધુમા વધુ લોકો સુધી પહોંચીને તેમને સેવાઓ, રાશન, સારવાર બધું જ પહોંચાડવાનું છે. હજી સુધી ઘરમાં રહીને આ લડત કરી છે હવે આપણે બહાર નીકળીને આ યુદ્ધ જીતવું છે.

આત્મનિર્ભર ગુજરાત યોજનાનાં ફોર્મ મળશે

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, આત્મનિર્ભર ગુજરાત માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે.

gujarat gandhinagar covid19 coronavirus