ભરૂચ જિલ્લામાં 3.3ના ભૂકંપના આંચકાથી આશ્ચર્ય

04 August, 2020 10:28 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ભરૂચ જિલ્લામાં 3.3ના ભૂકંપના આંચકાથી આશ્ચર્ય

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કચ્છ સહિતની અલગ-અલગ ફૉલ્ટલાઇનમાં ભૂકંપ આવે એ વાત સ્વાભાવિક ગણાય છે, પરંતુ ગઈ કાલે સમી સાંજે ભરૂચ જિલ્લામાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ભૂકંપના આંચકાના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરે ગઈ કાલે ભૂકંપની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ભરૂચ જિલ્લામાં ગઈ કાલે સાંજે ૫.૧૯ વાગ્યે ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નાગરિકોએ અનુભવ્યો હતો અને એનું કેન્દ્રબિન્દુ ભરૂચથી ૭ કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકાને પગલે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલહાનિ નોંધાઈ નથી.

ગુજરાતમાં પાંચ બેલ્ટ છે અને અલગ-અલગ ફૉલ્ટલાઇન છે, પણ ભરૂચ જિલ્લામાં ભૂકંપનો આંચકો આવતાં ગુજરાત સ્ટેટ ઇમર્જન્સી સેન્ટરમાં પણ અચરજ ફેલાયું હતું. ભરૂચમાં આવેલા ભૂકંપની તપાસ હાથ ધરાઈ છે.

સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરના અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભરૂચમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, પણ ભરૂચમાં ભૂકંપ આવે એવુ ઓછું બને છે. ભૂકંપ મોટા ભાગે કચ્છ - દુધઈ, ખાવડા, જોડિયા, જામનગર અને મોરબી બાજુએ હોય છે, પણ આ સાઇડે (ભરૂચમાં) ક્યારેય બન્યું હોય એવુ જાણમાં નથી. ગુજરાતમાં પાંચ બેલ્ટ છે અને અલગ-અલગ ફૉલ્ટલાઇન છે, પણ ભરૂચમાં ભૂકંપ આવ્યો એનાથી સેન્ટરમાં પણ આશ્ચર્ય થયું છે અને આ મુદ્દે તપાસ હાથ ધરાઈ છે.’

bharuch earthquake gujarat ahmedabad