અમરેલીના યુવકે કંકોત્રીમાં છપાવી સરકારી યોજનાઓ

04 February, 2020 06:35 PM IST  |  Amreli | Mumbai Desk

અમરેલીના યુવકે કંકોત્રીમાં છપાવી સરકારી યોજનાઓ

લગ્ન કરવા જઇ રહેલા માણસ માટે ફેમિલી પ્લાનિંગથી માંડીને ભવિષ્યની યોજનાઓ હંમેશા અગત્યની હોય એ તો સ્વાભાવિક છે પણ અમરેલી જિલ્લાના એક યુવકને માટે સરકારી યોજનાઓ વધારે અગત્યની હતી. સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના સંકેત સાવલિયા નામના યુવકે 9મી ફેબ્રુઆરીએ પોતાના લગ્નની બીજી બધી તૈયારીઓની સાથે સરકારી યોજનાઓને પણ પ્રાથમિકતા આપી. સંકેતના લગ્ન અંકિતા નામની છોકરી સાથે થશે અને તેની કંકોત્રીમાં બીજી બધી વિગતો ઉપરાંત સરકારી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી છે. 

સરકારી કાર્ડ અને પ્રમાણપત્ર માટે ક્યાં જવું, કઇ વેબસાઇટથી તે થઇ શકે છે એવી યાદી આ કંકોત્રીમાં છે. આધાર કાર્ડ, રેશનકાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે કઢાવવા માટે કઇ લિંકનો ઉપયોગ કરવો તે લખવામાં આવ્યું છે. આ ઉપરાંત સારું કામ કરતી શાળાઓની ઉદાહરણો દર્શાવતી તસવીરો પણ આ કંકોત્રીનો ભાગ છે. દીકરી તરફથી એક સંદેશ પણ આ કંકોત્રીમાં છે જેમાં એવા અર્થનું વિધાન છે કે હું દીકરી છું તો પણ હું આગળ વધીશ અને મારી જિંદગી જીવીશ. વળી મુખ્યમંત્રીની યોજનાઓ અમૃતમ મા કાર્ડ કેવી રીતે મળેની વિગતો જરૂરી સવાલ જવાબ સાથે કંકોત્રીમાં લખાઇ છે. આ ઉપરાંત શૈક્ષણિક અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોનની યોજના, ભોજન બિલ સહાય, કોચિંગ સહાય, સ્પર્ધાત્મક પરિક્ષાની તાલીમ સહાયની વિગતો ઉપરાંત ધોરણ દસ અને બાર પછીના અભ્યાસનું માર્ગદર્શન પુરું પાડ્યું છે. આ કંકોત્રી 25 પાનાંની છે અને તે વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેનો પ્રયાસ સંકેત કરી રહ્યો છે. 

યોજનાઓ કંકોત્રીમાં છપાવનાર સંકેત અમદાવાદની કૉલેજમાંથી એમ.કોમ કર્યા પછી આઇઆઇએમની એજ્યુકેશનલ ઇનોવેશન બેંકમાં પ્રોજેક્ટ એસોસિએટ તરીકે કામ કે છે. તેમણે આમ કરવા અંગે કારણ આપ્યું કે," મારા માતાપિતા નિરક્ષર છે અને સરકારની યોજનાઓનો લાભ જ્યારે લોકો સુધી નથી પહોંચતો ત્યારે તેમને જરૂરી ફાયદા પણ નથી મળી શકતા તે મેં જોયું છે. આ કંકોત્રી દ્વારા હું વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડવા માગું છું. આ કંકોત્રી સોશ્યલ મીડિયા વગેરે દ્વારા લોકો સુધી પહોંચી રહી છે અને લોકોને યોજનાઓની માહિતી મળી રહી છે તે જ મારે માટે અગત્યનું છે." 

gujarat