નવસારીમાં ધરા ધ્રૂજે છે પણ તંત્રના પેટનું પાણી નથી હાલતું

16 November, 2019 08:15 AM IST  |  Navsari | Ronak Jani

નવસારીમાં ધરા ધ્રૂજે છે પણ તંત્રના પેટનું પાણી નથી હાલતું

નવસારીમાં ભૂકંપના કારણે નુકસાન

નવસારી જિલ્લાના ૩ તાલુકામાં છેલ્લા બે મહિનાથી આવતા ભૂકંપના ઝટકાને કારણે ૭૦થી વધુ ગામોના લાખો લોકોમાં ભયનો માહોલ બન્યો છે. સતત ભૂકંપને કારણે લોકોનાં ઘરોમાં તિરાડો પડવા માંડી છે. આ જોતાં વાંસદામાં આવેલા વીસમી સદીમાં બનેલા બૉમ્બે સ્ટેટના મહારાજાના ઐતિહાસિક દિગ્વીર પૅલેસમાં રહેતો રાજવી પરિવાર પણ ચિંતામાં મુકાયો છે.
નવસારી જિલ્લાના ૩ તાલુકા વાંસદા, ચીખલી અને ખેરગામનાં ૭૦થી વધુ ગામોમાં પાછલા બે મહિનાથી ૨૦ જેટલા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ ભૂકંપના એપી સેન્ટર નવસારીથી ૩૪ કિલોમીટર, વલસાડથી ૪૩ કિલોમીટર અને સુરતના ઉકાઈથી પણ અમુક કિલોમીટરના અંતરે હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં ગયા અઠવાડિયામાં વાંસદામાં ૨.૭ની તીવ્રતાનો ભૂકંપ આવતાં તાલુકાના ઉપસળ, મોટી વાલઝર, નાની વાલઝર સહિતનાં આસપાસનાં ગામોમાં લોકોનાં ઘરોમાં મોટી-મોટી તિરાડો પડી જવા પામી હતી; જ્યારે આજે ચીખલી વાંસદાનાં અમુક ગામોમાં ૩.૫ની તીવ્રતાના આંચકા અનુભવતાં લોકોની ઊંઘ ઊડી ગઈ છે. સામાન્ય રીતે આ ત્રણે તાલુકાના મોટાં ભાગનાં ગામોમાં કાચાં ઘરો વધારે અને પાકાં મકાનો પ્રમાણમાં ઓછાં હોવાને કારને તંત્ર નિશ્ચિંત હોય એવું કહી શકાય. જોકે વાંસદા એક રાજવી સ્ટેટ છે અને અહીં અનેક ઐતિહાસિક ઇમારતો પણ છે, જેને લઈને રાજવી પરિવારમાં પણ ચિંતા જોવા મળી છે.

દિગ્વીર પૅલેસમાં આંચકા અનુભવાતાં રાજવી પરિવાર ચિંતામાં
પાછલા બે મહિનાથી વાંસદા તાલુકા વિસ્તારમાં સતત ભૂકંપના આચંકા આવી રહ્યા છે. તેથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. અમારી રજવાડી ઇમારત  દિગ્વીર પૅલેસ, મંઝિલે મુરાદ (લાલ બંગલો) અને વાંસદાના ઐતિહાસિક ટાવર સહિત ઘણી ઇમારતો છે જેને નુકસાન ન પહોંચે એ માટે વહેલી તકે આ ભૂકંપના આંચકાનું કારણ જાણી કોઈ ઉપાય કરવામાં આવે એવી લાગણી છે.
શિ‍વેન્દ્રસિંહ સોલંકી (રાજવી પરિવાર)

આ પણ જુઓઃ Rahul Patel: હીરા કારીગરના ઘરે જન્મેલો આ ગુજરાતી આજે છે શબ્દોનો કારીગર

વાંસદા તાલુકા અને એની આસપાસ સતત અનુભવાતા ભૂકંપના આંચકા કોઈ મોટી ચિંતાનો વિષય નથી છતાં પણ સતત આવી રહેલા ભૂકંપનાં કારણો જાણવા ગાંધીનગરના સિસ્મોલૉજી વિભાગની ટીમને બોલાવી સર્વે કરાવવા જણાવી દીધું છે અને સાથે ગ્રામ્ય સ્તરે તલાટીઓને પણ અલર્ટ કર્યા છે કે તેઓ પોતાના વિસ્તારમાં રહી રિપોર્ટ આપે.   

વિશાલ યાદવ, મામલતદાર, વાંસદા

navsari gujarat