ડાંગમાં ઊગતાં વિદેશી ઍન્થુરિયમ ફૂલ મુંબઈની શોભા વધારી રહ્યાં છે

23 January, 2020 07:35 AM IST  |  Navsari | Ronak Jani

ડાંગમાં ઊગતાં વિદેશી ઍન્થુરિયમ ફૂલ મુંબઈની શોભા વધારી રહ્યાં છે

વિદેશી ઍન્થુરિયમ ફૂલ

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભદરપાડા ગામે આદિવાસી શિક્ષિત ખેડૂતે ખૂબ જ મુશ્કેલ એવી વિદેશી ઍન્થુરિયમ ફૂલની ખેતી કરી લોકોને આશ્ચર્યચકિત કરી કિશોર ચૌધરી પ્રથમ ખેડૂત છે જેમની સફળતા જોઈ ખુદ કૃષિ તજજ્ઞો પણ સ્તબ્ધ થઈ ગયા છે.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા ભદરપાડા ગામે રહેતા વ્યવસાયે શિક્ષક એવા કિશોર ચૌધરી તેમની જમીનમાં પરંપરાગત ખેતી કરતા હતા. જોકે કંઈક નવું કરવાની ઇચ્છા ધરાવતા આ આદિવાસી ખેડૂતે એવું કરી બતાવ્યું જેનાથી ખુદ કૃષિ તજજ્ઞો હેરાન થઈ ગયા છે, જે કામ કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરીને મોટી ડિગ્રી મેળવનારા તજજ્ઞો ન કરી શક્યા એ કામ આ આદિવાસી ખેડૂતે કરી બતાવ્યું. કિશોરભાઈએ ૨૦૧૭માં વિદેશી ફૂલ ઍન્થુરિયમની ખેતી શરૂ કરી, જેને જોઈને આસપાસના લોકો અને નર્સરી ઉદ્યોગ ચાલવતા અન્ય લોકો તેમના પર હસતા હતા.

પરંતુ મજબૂત ઇરાદાવાળા કિશોરભાઈએ ગૂગલની મદદ લઈ સોઇલ લેસ પદ્ધતિ અપનાવી કોઈ ન કરે એ કરી બતાવ્યું છે. એક એકરની જમીનમાં નેટ હાઉસ બનાવી એમાં જુદા-જુદા પાંચ પ્રકારના ૧૦૦૦થી વધુ ઍન્થુરિયમ ફૂલોના છોડ ઉગાડ્યા છે. આ એક ફૂલની બજાર કિંમત ૧૫ રૂપિયાથી લઈને ૪૦ રૂપિયા સુધીની હોય છે, જેની ખાસિયત એ છે કે આ ફૂલ ઓછામાં ઓછા ૨૧ દિવસથી ૪૫ દિવસ સુધી તાજાં રહી શકે છે. ડાંગ જિલ્લામાં ઊગતાં આ ફૂલો કન્ટેનર અને ટ્રેનમાં ૩૦૦ કિલોમીટરની સફર કરી મુંબઈના માર્કેટમાં પહોચે છે. ત્યાં મલ્ટિનૅશનલ કંપનીઓ મોટા પ્રસંગો અને ઉદ્યોગપતિના ઘરની શોભા વધારે છે. આ એવા પ્રકારની ખેતી છે જેમાં જમીનની જરૂર નથી, એ જમીનથી ઉપર એક બાસ્કેટમાં નારિયેળનાં છોતરાં પર ઉગાડવામાં આવે છે.

એક એકરમાં બનાવેલા નેટ હાઉસમાં એક ચોક્કસ તાપમાન હેઠળ છોડ તૈયાર કરવા ખૂબ જ મહેનત માગી લે છે. ગુજરાતના ઍન્થુરિયમની સફળ ખેતી કરનાર સૌપ્રથમ ખેડૂત એવા કિશોરભાઈની સફળતા જોતાં રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો તેમના નેટ હાઉસની મુલાકાત લઈ રહ્યા છે. 

gujarat navsari