સ્ટૅચ્યુ ઑફ યુનિટીને એક જ દિવસમાં 1 કરોડની આવક થઈ

24 December, 2019 08:44 AM IST  |  Narmada

સ્ટૅચ્યુ ઑફ યુનિટીને એક જ દિવસમાં 1 કરોડની આવક થઈ

સ્ટૅચ્યુ ઑફ યુનિટી

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં ચાલુ દિવસે પ્રવાસીઓનો ધસારો હોય છે. હવે ૨૫થી ક્રિસમસનું વેકેશન ચાલુ થવાનું છે ત્યારે વધુ પ્રવાસીઓ આવે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગઈ કાલે રવિવારે ૨૯ હજાર પ્રવાસીઓએ સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે ત્યાંની એક જ દિવસે રવિવારે ૧ કરોડ રૂપિયા જેટલી આવક થઈ છે.

નવા વર્ષના આગમન પૂર્વે ટેન્ટ સિટીથી લઈને તમામ હોટેલ બુકિંગ માટે પ્રવાસીઓ પડાપડી કરી રહ્યા છે. પ્રવાસીઓ ઑનલાઇન બુકિંગ પણ કરી રહ્યા છે. આ સાથે કેવડિયામાં આવેલી હોટેલોમાં પણ ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે કેવડિયાની આસપાસની મોટા ભાગની હોટેલો નવા વર્ષ માટે બુક કરવામાં આવી છે. પ્રવાસીઓની વધતી શક્યતાઓને જોઈને આસપાસની હોટેલો અને રેસ્ટોરન્ટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં તીડનાં ટોળાંને ભગાડવા માટે ડીજે સંગીતનો સહારો

આ સાથે તંત્રએ પણ બસ સર્વિસ વધારવી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્તની સુરક્ષા પણ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે તંત્ર ટિકિટનો ક્વોટા પણ વધારી શકે છે. કેવડિયાનું સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રવાસન સ્થળ તરીકે લોકોને વધારે પસંદ આવી રહ્યું છે. અહીં ગુજરાતમાંથી, અન્ય રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

gujarat statue of unity