બનાસકાંઠામાં તીડનાં ટોળાંને ભગાડવા માટે ડીજે સંગીતનો સહારો

24 December, 2019 08:35 AM IST  |  Banaskantha | Shailesh Nayak

બનાસકાંઠામાં તીડનાં ટોળાંને ભગાડવા માટે ડીજે સંગીતનો સહારો

બનાસકાંઠામાં તીડનાં ટોળાં

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનાં ગામોનાં ખેતરો પર તીડના આક્રમણથી ખેડૂતો પરેશાન થઈ ઊઠ્યા છે ત્યારે અવાજથી તીડ નીચે નહીં બેસતાં હોવાની અને ખેતરમાંથી જતાં રહેતાં હોવાની માન્યતાના પગલે તીડને ભગાડવા માટે ડીસા તાલુકાના શેરપુરા ગામમાં યુવાનોએ મોટા મોટા અવાજે ડીજે સંગીત વગાડીને તીડને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લાનાં ૬૦થી વધુ ગામોનાં ખેતરોમાં થઈ રહેલા તીડના આક્રમણથી ઊભા પાકને નુકશાન થઈ રહ્યું છે. તીડનાં ટોળેટોળાં ખેતરો પર ત્રાટકતાં હોવાથી પાકનો ખાતમો બોલાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો પરેશાન થઈ ઊઠ્યાં છે. સરકાર દ્વારા તીડને ભગાડવા માટે દવાનો છંટકાવ થઈ રહ્યો છે. જોકે બીજી તરફ ખેડૂતોએ દેશી નુસખા અપનાવતાં ફટાકડા ફોડવા ઉપરાંત ડબ્બા, થાળી–તગારાં વગાડીને તીડને ભગાડવા પ્રયાસ કરી રહ્યા છે અને હવે તીડને ભગાડવા માટે શેરપુરા ગામના ખેતરમાં ડીજે સંગીત મોટા-મોટા અવાજથી વગાડીને તીડને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

શેરપુરા ગામના ખેડૂત પોપટલાલ સુથારે મિડ ડેને કહ્યું હતું કે અવાજના કારણે તીડ ખેતર પર બેસતાં નથી. અવાજથી દૂર રહે છે, જેથી ગામના યુવાનોએ તીડનાં ટોળાંને ભગાડવા માટે ખેતરમાં ડીજે મોટા-મોટા અવાજથી વગાડ્યું હતું, જેના કારણે તીડનાં ટોળાં ખેતરમાં નીચે બેઠાં નહીં. ખેડૂતો તીડને ભગાડવા માટે ફટાકડા ફોડે, થાળી–તગારાં વગાડે છે જેથી અવાજના કારણે તીડ ખેતર પર નીચે બેસતાં નથી અને એના કારણે ખેતરના પાકને નુકસાન કરે નહીં. અમારા ગામમાં બટાકાની ખેતી છે. આ ઉપરાંત જીરું અને રાયડાનો પાક પણ અત્યારે લેવાય છે. બનાસકાંઠા જિલ્લામાં લગભગ ૬૦ જેટલાં ગામોને આ તીડની અસર છે અને ગ્રામસેવકો ગામડાંઓમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે.

gujarat