દ. ગુજરાતમાં ભારે વરસાદ, 10 કોઝવે પર પાણી ફરી વળ્યાં, નદીઓ બે કાંઠે વહી

30 July, 2019 07:31 AM IST  |  સુરત

દ. ગુજરાતમાં ભારે વરસાદ, 10 કોઝવે પર પાણી ફરી વળ્યાં, નદીઓ બે કાંઠે વહી

પ્રતીકાત્મક તસવીર

હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ૧૦ કોઝવે પર પાણી ફરી વળ્યાં છે અને નદીઓ બે કાંઠે છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે. તેમ જ ડાંગનાં અનેક ગામો સંપર્કવિહોણાં થઈ ગયાં છે.

સવારે છથી બે વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં ૪.૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. અને હનામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લામાં મધુબન ડૅમની સપાટીમાં વધારો થતાં ડૅમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે.

આ પણ વાંચો : આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી

મંગળવારે મધ્યમથી ભારે અને બુધવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. આજે સવારથી વલસાડ અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં વલસાડ જિલ્લામાં ધરમપુરમાં ૪.૬ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૬૦ મિમી, પારડીમાં ૭૪ મિમી, વલસાડમાં ૪૨ મિમી અને વાપીમાં ૩૬ મિમી વરસાદ નોંધાયો છે. અને ડાંગ જિલ્લાના આહવામાં ૩૯ મિમી, સુબીરમાં ૫ મિમી, વઘઈમાં ૩૫ મિમી અને સાપુતારામાં ૭૯ મિમી વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઔરંગા, પાર, દમણગંગા અને કોલક નદીઓ બે કાંઠે વહી રહી છે અને કપરાડા અને પારડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. વલસાડમાં એનડીઆરએફની ટીમ પણ તહેનાત કરાઇ છે.

Gujarat Rains surat