અમદાવાદમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં : બે કલાકમાં ૪ ઇંચ

23 July, 2023 09:00 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ગઈ કાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ૨૨૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો

અમદાવાદમાં ગઈ કાલે સાંજે છથી આઠ વાગ્યાના બે કલાક દરમ્યાન ભારે વરસાદ પડતાં અખબાર નગર અન્ડરપાસ સ્વિમિંગ-પૂલ બન્યો હતો.

ગુજરાતમાં ગઈ કાલે નવસારી અને જૂનાગઢ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૭ ઇંચ જેટલો, ભાવનગરના વલભીપુર અને ઉમરાળા તેમ જ જૂનાગઢના મેંદરડામાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં સમીસાંજે બે કલાકમાં ચાર ઇંચ ધોધમાર વરસાદ ખાબકતાં શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને જનજીવન પ્રભાવિત થયું હતું.

ગુજરાતમાં ગઈ કાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ૨૨૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં ૭૪ તાલુકાઓમાં ૧ ઇંચથી લઈને ૧૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં અને ભરૂચના વાગરામાં પાંચ ઇંચથી વધુ, ભાવનગરના મહુવા અને બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં સાડાચાર ઇંચ, જૂનાગઢના કેશોદ અને વંથલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સુરતના મહુવા, તાપીના વાલોડ, ડોલવણ અને વડોદરાના કરજણમાં ત્રણ ઇંચથી વધુ, જ્યારે ગીર સોમનાથના ગીર ગઢડા, ઉના, અમરેલીના બાબરા, આણંદના બોરસદ, રાજકોટના જામજોધપુર, પોરબંદરના કુતિયાણા, દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં ગઈ કાલે સાંજે ૬થી રાત્રે ૮ વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં ચાર ઇંચથી વધુ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં શહેરના બોપલ વિસ્તારમાં ૭ ઇંચ જેટલો, ચકુડિયા, બોડકદેવ, મમતપુરા વિસ્તારમાં પોણા છ ઇંચ, ગોતા, સરખેજ, જોધપુર, દૂધેશ્વર અને કોતરપુર વિસ્તારમાં ૫ ઇંચથી વધુ વરસાદ પડતાં આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. અમદાવાદમાં આજે યોજાનારી સહાયક સબ-ઇન્સ્પેક્ટર એસ્ટેટ – ટીડીઓની જગ્યા માટેની લેખિત પરીક્ષા અતિભારે વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા ફરી જ્યારે લેવાની થશે ત્યારે એની ઉમેદવારોને જાણ કરવામાં આવશે.

Gujarat Rains ahmedabad gujarat gujarat news Weather Update