ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ માનવભક્ષી દીપડાને ભડાકે દેવાની ધમકી આપી

08 December, 2019 12:18 PM IST  |  Ahmedabad

ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ માનવભક્ષી દીપડાને ભડાકે દેવાની ધમકી આપી

File Photo

(જી.એન.એસ.) વિસાવદર, બગસરા, ધારી તાલુકાના ૧૭ ખેડૂતો અને ખેતમજૂરોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા છે. જ્યારે વહેલી સવારે બગસરામાં વધુ એક ખેડૂત દીપડાનો શિકાર બન્યો છે. સતત વધી રહેલી ઘટનાને પગલે વિસાવદરના ખેડૂતપુત્ર ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયા હથિયાર લઈ ખેડૂતોના રક્ષણ માટે આગળ આવ્યા છે. તેમણે વનવિભાગને ૧૫ દિવસમાં ખેડૂતોના રેવન્યુ વિસ્તારમાંથી દીપડા ઉપાડી લેવા માટે ચીમકી ઉચ્ચારી છે. નહીં તો હું ખુદ દીપડાને ભડાકે દઈશ, દીપડાના કોઈ હિતેચ્છુ આડા આવ્યા તો એને પણ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ, તેવા આક્રોશ સાથે ખેડૂતોના રક્ષણ માટે ખેડૂત ધારાસભ્ય મેદાને આવ્યા છે. તેમ જ સરકારે પણ દીપડાને તાત્કાલિક પાંજરે પુરવા કડક સૂચના આપી છે.

માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા માટે સરકારે મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સીસીએફ સહિતના વનવિભાગના અધિકારીઓ અમરેલી ખાતે પહોંચ્યા છે. અમરેલી, જૂનાગઢ અને ગાંધીનગર વનવિભાગના કર્મચારીઓ સંયુકત ઓપરેશન કરશે. માનવભક્ષી દીપડાને ઠાર મારવા માટે વનવિભાગના સ્પે. શૂટરો ગોઠવ્યા છે. બગસરા પંથકમાં ૩૦ પાંજરા, સીસીટીવી કૅમેરા સહિતની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. વનવિભાગના ઓપરેશનમાં અમરેલી જિલ્લા પોલીસની ટીમ પણ જોડાશે.

અમરેલી જિલ્લા કલેકટર અને સીસીએફની સંયુકત પત્રકાર પરિષદમાં જણાવ્યું તેમ જ ખેડૂતોને અને ખેતમજૂરોને સાંજે સાત વાગ્યા બાદ ખેતરે નહીં જવા માટે પણ સૂચના આપી દેવાઈ છે. દીપડાને તાત્કાલિકપણે પુરવા માટે સરકારે કડક સૂચના આપી છે.

gujarat