07 April, 2026 10:28 AM IST | Halol | Gujarati Mid-day Correspondent
ફાયર-બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી
મધ્ય ગુજરાતમાં આવેલા હાલોલમાં ભંગારના ગોડાઉનમાં ગઈ કાલે ભીષણ આગ લાગી હતી. જોકે સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્લાસ્ટિક સહિતના ભંગારને કારણે આગ એટલી વિકરાળ બની હતી કે આસપાસનાં બીજાં ગોડાઉનોને પણ લપેટમાં લીધાં હતાં અને આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂરથી દેખાતાં ભયનો માહોલ ફેલાયો હતો. હાલોલ ફાયર-બ્રિગેડે મદદ માટે ગોધરા અને કાલોલથી પણ ફાયર-બ્રિગેડ બોલાવી હતી અને આગને કાબૂમાં લીધી હતી.
હાલોલ બાયપાસ રોડ પર આવેલા ભંગારના એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને લાકડાં સહિતના ભંગારને કારણે આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એને કારણે અન્ય ગોડાઉનો તેમ જ ૩ મકાનો પણ આગની ઝપટમાં આવી ગયાં હતાં. આગને કારણે ગોડાઉનમાં રહેલું ભંગાર બળીને ખાખ થઈ ગયું હતું. આગની જાણ થતાં જ લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠાં થઈ ગયાં હતાં. આગની ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે આગ વધુ હોવાથી ગોધરા તેમ જ કાલોલથી ફાયર-બ્રિગેડને મદદ માટે બોલાવી હતી અને આગને લઈને મેજર કૉલ જાહેર કર્યો હતો. ફાયર-બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.