તીડના કહેરથી સરહદી તાલુકામાં ફફડાટ, ખેડૂતોના પાકોનો સફાયો

21 January, 2020 10:53 AM IST  |  Vav

તીડના કહેરથી સરહદી તાલુકામાં ફફડાટ, ખેડૂતોના પાકોનો સફાયો

તીડ

વાવ તાલુકાનાં સરહદી ત્રણ ગામોમાં ચાર દિવસથી તીડોએ ધામા નાખતાં ખેડૂતોનાં ખેતરોમાં ઊભેલા લીલાછમ પાકને રાતોચોળ કરી નાખ્યો છે. તીડના કારણે ખેડૂતો હવે બિસ્તરાં-પોટલાં લઈ ઘરભેગા થવાના દિવસો આવી ગયા છે. તીડોએ આ ત્રણ દિવસમાં ત્રણ ગામોમાં ખેડૂતોને કરોડોનું નુકસાન કર્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

વાવનાં સરહદી રાધાનેસડા, કુંડાળિયા અને માવસરી ત્રણેય ગામોમાં ત્રણ દિવસથી તીડોનું આક્રમણ યથાવત્ રહ્યું છે, જેને લઈ ખેડૂતોના ઊભા પાકોનો સફાયો કરી નાખ્યો છે. રાધાનેસડા અને કુંડાળિયા કાંધીબેટમાં આવેલા ચાળક માતાજીના મંદિર નજીક કરોડો તીડ હાલ પણ ઊડી રહ્યાં છે જેઓ પર સત્વરે નિયંત્રણ કરવામાં નહીં આવે તો વધુ ખેડૂતોનાં ખેતરો તેમ જ અન્ય ગામો પર પણ ખતરો મંડાયેલો રહેશે. માવસરી ગામે તીડોએ પાક ખાઈ જતાં ખેતરમાં કંઈ બચ્યું ન હોઈ માવસરી ગામનો ભાગિયો છગન ઠાકોર બિસ્તરા-પોટલા બાંધી ટ્રૅક્ટર ભરી ખેતરેથી ઘરે ગયો હતો.

આ પણ વાંચો : ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે સરકાર પ્રયાસ કરશેઃ સૌરભ પટેલ

ખેતીવાડી અધિકારી રામજી દેસાઈએ જણાવ્યું હતું કે ‘માવસરી, કુંડાળિયા, રાધાનેસડા સહિત ત્રણ ગામોમાં ૧૨ ટ્રૅક્ટર દ્વારા ૩૪ લીટર દવાનો છંટકાવ કર્યો હતો, જ્યારે ૩ ટીમો કેન્દ્રની હતી.’ કુંડાળિયાના ખેડૂત કાનજી ધર્માજી ધાણકે જણાવ્યું હતું કે ‘મારી ૧૧ એકરમાં જીરાના પાકનું વાવેતર કર્યું હતું. એમાં બિયારણ, ખાતર, દવા તેમ જ નિંદામણ મજૂરી સહિતનો ખર્ચ કર્યો હતો; જેમાં તીડોએ આખો પાક ખાઈ જતાં અમારે હવે ખેતરેથી ઘરે જવાના દિવસો આવ્યા છે.’

gujarat