કચ્છમાં નો એન્ટ્રીનો ફેક મેસેજ વાઇરલ

15 July, 2020 07:02 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

કચ્છમાં નો એન્ટ્રીનો ફેક મેસેજ વાઇરલ

ફાઈલ તસવીર

મુંબઈમાં કામકાજ બંધ હોવાથી મોટી સંખ્યામાં કચ્છીઓ વતનમાં જઈ રહ્યા છે ત્યારે કચ્છમાં બહારગામથી આવતા લોકોને રોકવા માટેના નિયમો કડક કરાઈ રહ્યા હોવાથી નીકળતા પહેલાં ચકાસી લેવાના મેસેજ સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા છે. આ મેસેજથી વતન જવા માગતા લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. જોકે કચ્છ પ્રશાસનની રાજ્ય સરકારે અગાઉ બહાર પાડેલી ગાઇડલાઇન્સ સિવાય કોઈ નવા નિયમ જાહેર ન કરવાનું કહ્યું હોવાથી વતન જવા માગતા કચ્છીઓ માટે કોઈ અડચણ ન હોવાનું સ્પષ્ટ થાય છે.

છેલ્લા ત્રણેક દિવસથી ‘કચ્છ તરફ જનારા લોકો મહત્વના સમાચાર ધ્યાનથી વાંચજો’ના હેડિંગ સાથેના મેસેજ સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા છે. મેસેજમાં લખ્યું છે કે મુંબઈ તથા અન્ય સ્થળોએથી કચ્છમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. મુંબઈ રેડ અને કન્ટેનમેન્ટ ઝોનમાં છે આથી અહીંના લોકો ગ્રીન ઝોન કચ્છમાં આવશે તો કચ્છમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા પ્રશાસન ગમે તે ઘડીએ કચ્છની બોર્ડર સીલ કરી શકે છે. જેઓ વતન આવવા માગતા હોય તેઓ આથી જલદી આવી જાય, નહીં તો રાતના ૧૨ વાગ્યાથી વાહનની પરમિશન હશે તો પણ તેઓ સામખિયાળી બોર્ડર ક્રોસ નહીં કરી શકે. કચ્છનાં બધાં જ ગામ તેમ જ રાજ્ય સરકારે આવો નિર્ણય લીધો છે. જે લોકો વતન આવવાનો પ્રયાસ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે.

મુંબઈ લાંબા સમયથી બંધ હોવાથી મોટી સંખ્યામાં કચ્છીઓ વતનમાં જઈ રહ્યા છે. ગામેગામની બસો બુક થઈ રહી છે ત્યારે આવા મેસેજ વાંચીને વતન જવાનું વિચારી રહેલા મુંબઈ કે આસપાસમાં રહેતા કચ્છીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.

કલ્યાણમાં રહીને દાદરમાં રેડીમેડ ગાર્મેન્ટનો વ્યવસાય કરતા રજનીકાંત ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ કે બીજે સ્થળેથી વતન કચ્છમાં જવા માટે સરકાર તાત્કાલિક રીતે બોર્ડર સીલ કરવાના મેસેજ વાંચીને અમે જવું કે નહીં એની અવઢવમાં છીએ. ૨૦ જુલાઈએ અમે માંડવી તાલુકામાં આવેલા અમારા ગામ ભોજાઈ જવાના છીએ. અહીં ચાર મહિનાથી બધું બંધ છે અને નજીકના ભવિષ્યમાં કામકાજ શરૂ થવાના એંધાણ નથી એટલે ગામ જવાનો નિર્ણય લીધો છે, પરંતુ કચ્છની એન્ટ્રી બંધ કરવાના મેસેજથી ચિંતિત છીએ. ચાતુર્માસ નજીક છે એટલે અમે ગામમાં જઈને શાંતિથી ભગવાનની આરાધના કરવા માગીએ છીએ.’

કાંજુર માર્ગમાં રહેતા અને કાપડનો બિઝનેસ કરતા હરિલાલ વસનજી દેઢિયાનું વતન મુંદ્રા તાલુકામાં આવેલું ભોરારા ગામ છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છમાં પ્રવેશબંધીના મેસેજ મેં પણ વાંચ્યા છે, પણ મુંબઈમાં કામકાજ બંધ છે અને ગામમાં ખેતીવાડી કરવાનો વિચાર છે એટલે અમે વતન જવાનો નિર્ણય લીધો છે. સરકારના નિયમ મુજબ ૧૪ દિવસ ક્વૉરન્ટીનમાં રહેવામાં અમને કોઈ વાંધો નથી. મને નથી લાગતું કે વતનમાં આવવા માટે સરકારે બોર્ડર સીલ કરવાનો કોઈ નિર્ણય લીધો હોય.’

gujarat kutch coronavirus covid19 lockdown prakash bambhrolia