રાજકોટવાસીઓ સાવધાનઃ ફેમસ પ્રદ્યુમન પાર્કમાં દીપડાના ધામા

18 February, 2020 11:58 AM IST  |  Rajkot

રાજકોટવાસીઓ સાવધાનઃ ફેમસ પ્રદ્યુમન પાર્કમાં દીપડાના ધામા

દીપડો

દીપડાના આતંકથી ગુજરાતનો કોઈ જિલ્લો બાકી રહી ગયો નહીં હોય. ગુજરાતમાં ઠેકઠેકાણે રખડતા કૂતરાની માફક હવે દીપડા ફરવા લાગ્યા છે ત્યારે હવે રાજકોટનું ફેમસ ટૂરિસ્ટ સ્પૉટ પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘૂસ્યો છે. રાત્રે દીપડાએ પાર્કમાંના હરણનું મારણ કર્યું હતું જેના બાદ પાર્ક સત્તાધીશો અને વન વિભાગે દીપડાને તાત્કાલિક પકડવાની કવાયત હાથ ધરી છે. વન વિભાગ અને આરએમસીએ ઝૂને ખાલી કરાવ્યું છે તેમ જ સામાન્ય નાગરિકો માટે પાર્કની એન્ટ્રી બંધ કરી દેવાઈ છે. હાલમાં પાર્કમાં વિવિધ સ્પૉટ પર ૭ પાંજરાં મૂકવામાં આવ્યાં છે. ગઈ કાલ રાતથી પાર્કના તમામ કર્મચારીઓને તાત્કાલિક બોલાવી લેવાયા છે. હાલમાં ટીમ દીપડાને પાંજરા સાથે પકડવા તૈયાર છે. ૧૩૭ એકરમાં ફેલાયેલા પ્રદ્યુમન પાર્કમાં દીપડાને શોધવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે જેથી અન્ય કોઈ પ્રાણી એનો શિકાર ન બને.

પાર્કમાં એક પિકનિક પ્લૅસ હોવાથી અહીં શાળામાંથી વિદ્યાર્થીઓ આવે છે. તો આજુબાજુના લોકો ફરવા આવે છે, પરંતુ આજે તેઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. સવારથી નાગરિકોની એન્ટ્રી બંધ રાખવાનો મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે.

gujarat rajkot