દેવદિવાળીએ સોમનાથમાં રાત્રે 12 વાગ્યે શિવજીના મસ્તક પર ચંદ્ર ધારણ

14 November, 2019 08:16 AM IST  |  Somnath | Shailesh Nayak

દેવદિવાળીએ સોમનાથમાં રાત્રે 12 વાગ્યે શિવજીના મસ્તક પર ચંદ્ર ધારણ

સોમનાથ મંદિર

ભૂગોળશાસ્ત્રમાં એવી અનેક ઘટનાઓ બને છે જેને લોકો શ્રદ્ધાની નજરે જોતા હોય છે. મંગળવારે દેવદિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ એક અલૌકિક ઘટના બની હતી. કાર્તિકી પૂર્ણિમાને લોકો ત્રિપુરારી પૂનમ તરીકે પણ ઓળખે છે ત્યારે દેશભરનાં અનેક મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. ત્યારે ગુજરાતના સોમનાથ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામી હતી. વર્ષમાં એક વાર બનતો સંયોગ જે વાસ્તવમાં ભૂગોળશાસ્ત્રની એક ઘટના છે, પણ શ્રદ્ધાળુઓને તેને આસ્થાની નજરે નિહાળે છે.

કાર્તિકી પૂનમના દિવસે ખાસ ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરે છે. શાસ્ત્રોક્ત રીતે જ્યારે ચંદ્રમાં ભગવાન ભોળાનાથ પર બિરાજે છે ત્યારે થોડીક ક્ષણો માટે અમૃતની વર્ષા થતી હોવાની આસ્થા છે. ત્યારે છેલ્લાં કેટલાંય વર્ષો અનેક શિવભક્તો દૂર-દૂરથી આ મધ્ય રાત્રિએ સોમનાથ ખાતે અચૂક આવે છે.

મંગળવારે સોમનાથ મંદિરમાં લાખો ભક્તો પહોંચ્યા હતા જ્યાં મધ્ય રાત્રિએ ભક્તો સોમનાથમાં મહાઆરતી અને મંદિરના માથે બિરાજેલા ચંદ્રનાં દર્શન કરી ધન્ય બન્યા હતા. મંગળવારે રાત્રે કૃતિકા નક્ષત્રમાંથી પસાર થતા ચંદ્રદેવ સોમનાથ મહાદેવના શિખર પર શોભાયમાન બન્યા ત્યારે આ અલૌકિક ઘટના નિહાળી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર 9 ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે મળશે

ભૂગોળશાસ્ત્રમાં કાર્તિકી પૂનમના દિવસે રાત્રે ૧૨ વાગ્યે કૃતિકા નક્ષત્રમાંથી ચંદ્ર પસાર થાય છે. વર્ષમાં એક જ વખત ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. રાત્રે ૧૨ના ટકોરે આ દૃશ્ય અલૌકિક તેમ જ અદ્ભુત બની રહ્યું હતું. ચંદ્ર મહાદેવ પર બિરાજે છે ત્યારે રાત્રિએ સોમનાથ મંદિરમાં આરતી થાય છે.

gujarat rajkot