પાંચ વર્ષમાં રાજ્યમાં સિંહ-દીપડાની સંખ્યામાં વધારો

24 December, 2019 08:57 AM IST  |  Surendranagar

પાંચ વર્ષમાં રાજ્યમાં સિંહ-દીપડાની સંખ્યામાં વધારો

પ્રતીકાત્મક તસવીર

સુરેન્દ્રનગરના ચોટીલા વિસ્તારમાં આવી ગયેલા સિંહયુગલે હજી સુધી એ વિસ્તારમાં જ ધામા નાખેલા છે અને વનવિભાગ દ્વારા પણ એને ખસેડવાના પ્રયાસો થઈ રહ્યા નથી. એ જોતાં સિંહોના નવા રહેઠાણ તરીકે સમગ્ર વિસ્તાર વિકસે એવી શક્યતા વન વિભાગ પણ જોઈ રહ્યો છે. સિંહોની આગામી વસ્તી ગણતરી અત્યાધુનિક રીતે મે મહિનામાં હાથ ધરાશે ત્યારે ચોટીલા વિસ્તાર અંગે નિર્ણય લેવાય એવી શક્યતા છે. બીજી તરફ છેલ્લાં પાંચ વર્ષમાં સિંહ, દીપડા સહિતનાં હિંસક પ્રાણીઓ દ્વારા રાજ્યમાં ૨૩ હજારથી વધુ પ્રાણીનાં મારણ કરવામાં આવ્યાં છે. ગઈ ૧૯ નવેમ્બરે ચોટીલા નજીકના ગામમાં સિંહ દેખાયા હતા અને મારણ પણ કર્યું હતું. આ સિંહ હજી આ વિસ્તારમાં જ ફરી રહ્યા છે. સિંહો માટે નીલગાય સહિતનું મારણ નજીકના રામપરા વીરડી અને હિંગોળગઢ જંગલ વિસ્તારમાં મળી રહેતું હોવાથી માનવ વસ્તીને ખલેલ પહોંચાડે એવી સ્થિતિ નથી.

આ પણ વાંચો : સ્ટૅચ્યુ ઑફ યુનિટીને એક જ દિવસમાં 1 કરોડની આવક થઈ

આગામી મે મહિનામાં જીપીએસ સહિતની અત્યાધુનિક સિસ્ટમથી સિંહની વસ્તીગણતરી બે-ત્રણ દિવસમાં સેંકડો બીટ ગાર્ડ અને વન્ય પ્રાણી નિષ્ણાતોની મદદથી પૂર્ણ કરવામાં આવશે. બીજી તરફ સિંહ અને દીપડા જેવાં હિંસક પ્રાણીઓની વધતી સંખ્યાના કારણે રેવન્યુ વિસ્તારમાં પણ ફરતાં થઈ જતાં મોટી સંખ્યામાં પશુપાલન માટેનાં પશુઓનું મારણ થઈ રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૨૩,૦૮૮ પશુ-ઢોરનું મારણ વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેના વળતર પેટે સરકારને કરોડો રૂપિયાનું વળતર પણ પશુપાલકોને ચૂકવવું પડ્યું છે. ૧-૭-૨૦૧૪થી ૩૦-૫-૨૦૧૫ સુધીના એક વર્ષમાં ૪૧૭૫ પશુઓનું મારણ હિંસક વન્ય પ્રાણીઓ દ્વારા કરાયું હતું.

gujarat