ગુજરાત: સુરતમાં વરરાજાએ CAAના સપોર્ટમાં મેંદી મુકાવી

04 February, 2020 07:44 AM IST  |  Surat | Tejash Modi

ગુજરાત: સુરતમાં વરરાજાએ CAAના સપોર્ટમાં મેંદી મુકાવી

વરરાજાએ CAAના સપોર્ટમાં મુકાવી મેંદી

યુવા અવસ્થામાં દરેક યુવક-યુવતીનું એક સપનું હોય છે કે તેનાં લગ્ન ખૂબ ધામધૂમથી થાય અને એમાં પણ હાલમાં અલગ-અલગ થીમ સાથે લગ્ન કરવાનો ક્રેઝ ખાસ જોવા મળી રહ્યો છે. આ સાથે લગ્નમાં સોશ્યલ મેસેજ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. આવાં જ અનોખાં લગ્ન ડાયમન્ડ સિટી સુરતમાં થયાં છે જેને ખરા અર્થમાં અનોખાં લગ્ન કહી શકાય. આ લગ્નમાં વરરાજાએ હાથમાં સીએએના સમર્થનમાં મેંદી મુકાવીને વરઘોડો કાઢ્યો હતો અને ગાય તથા વાછરડા સાથે લગ્નમંડપમાં શુભ પ્રવેશ કર્યો હતો. લગ્નમાં યુવક-યુવતીના પરિવારજનો તો હાજર હતા જ, પણ ખાસ મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાની હાજરીથી જાણે સોનામાં સુગંધ ભળી હતી. ગાયમાતાની સાક્ષીમાં યુવક-યુવતી ૭ ફેરા ફરીને જીવનસાથી બન્યાં હતાં.

સુરતના ભટાર રોડ પર રહેતા અને મૂળ રાજસ્થાનના રામપાલ ગાડોદિયાના પુત્ર રોહિતકુમાર અને વેસુમાં રહેતા મદનલાલ તોડીની પુત્રી અભિલાષા આજે ત્રીજી ફેબ્રુઆરીએ લગ્નના તાંતણે બંધાયાં હતાં. બન્નેનાં લગ્ન ખાસ ચર્ચાનો વિષય બન્યાં છે. રોહિતકુમાર બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહ્યો છે અને અભિલાષા સીએ છે. રામપાલ અને મદનલાલ બન્ને વર્ષોથી સારાં મિત્રો હોવા ઉપરાંત ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલાં છે, એટલું જ નહીં, લગ્નમાં માટીના ૫૦૦૦ ગ્લાસ રાખ્યા હતા, જેથી પર્યાવરણની જાળવણી પણ કરવામાં આવે અને કુંભારને રોજગારી પણ મળી રહે. રોહિત હાથમાં સીએએના સમર્થનમાં મેંદી લગાડીને ઘોડે ચડી મંડપમાં પહોંચ્યો હતો.

રોહિતે જણાવ્યું કે ‘સીએએ કાયદાને લઈ દેશભરમાં ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હું મારાં લગ્નમાં મેંદીના માધ્યમથી લોકોને સીએએ પ્રત્યે જાગ્રત કરવા માગું છું જેથી લોકો સાચી વાત જાણી-સમજી શકે.’

ગૌમાતા અને વાછરડું મુખ્ય મહેમાન

આ અનોખાં લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા તથા વાછરડાને ઉપસ્થિત રાખવામાં આવ્યાં હતાં, એટલું જ નહીં, આ ગાયની સાક્ષીમાં રોહિત અને અભિલાષા લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ-પત્રિકા લખવામાં આવી હતી. ગાય અને વાછરડું વરના વરઘોડા પહેલાં નીકળ્યાં અને ગાયની સાક્ષીમાં પૂજાવિધિ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આ ફેક છે: મુસ્લિમો પાસેથી માલ ખરીદવો નહીં એવો વિડિયો વાયરલ

ભારતીય મૂળની વૈદિક પરંપરાને જીવંત રાખવાના હેતુથી લગ્નના આયોજનમાં વિવિધ પ્રકારના સંકલ્પ સાકાર કરાયા છે. ગાયની સાક્ષીમાં અને વૈદિક રીતે ૩૧ બ્રાહ્મણો દ્વારા પાણીગ્રહવિધિ કરવામાં આવી હતી. લગ્નમાં પરંપરાગત અને વૈદિક ઉપચારનાં સંગીત વગાડવામાં આવ્યાં હતાં. રાજસ્થાની સમાજમાં આમ તો રાતે લગ્ન થાય છે, પરંતુ અહીં સાંજે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આની સાથે મરાઠી સમુદાયમાં અક્ષતાવિધિ કરાઈ છે. રાજસ્થાન સમાજમાં આ વિધિ થતી નથી, પરંતુ પરિવાર દ્વારા આ વિધિ કરવાનો નિર્ણય લેવાયો હતો. આમ રોહિત અને અભિલાષાનાં લગ્નમાં તમામ મહત્ત્વના મુદ્દાને ધ્યાનમાં લઈને સોશ્યયલ મેસેજ આપવામાં આવ્યો હતો.

surat caa 2019 gujarat