ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે અલ્પેશ ઠાકોરને હાઈકોર્ટની નોટિસ

24 June, 2019 02:05 PM IST  |  અમદાવાદ

ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે અલ્પેશ ઠાકોરને હાઈકોર્ટની નોટિસ

Image Courtesy: Alpesh Thakor Tweet

અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય તેવી ચર્ચા શરૂ થઈ છે. 29-30 જૂનના રોજ અલ્પેશે બોલાવેલી સમર્થકોની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જો કે એ પહેલા ગુજરાત હાઈકોર્ટે અલ્પેશ ઠાકોરને ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા અરજી કરી હતી, આ અરજી ગુજરાત હાઈકોર્ટે સ્વીકારી છે. હાઈકોર્ટે હવે આ મામલે વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ આપીને જવાબ માગ્યો છે.

અલ્પેશે છોડી હતી કોંગ્રેસ

અલ્પેશ ઠાકોરે ભારે વાદ વિવાદ બાદ કોંગ્રેસનો હાથનો સાથ છોડ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ દ્વારા સતત ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ હતું. જો કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી હટાવવા પણ અધ્યક્ષને રજૂઆત કરી હતી. જો કે આ મામલે ન તો અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપ્યુ, ન તો સ્પીકર દ્વારા કોઈ પગલાં લેવાયા. પરિણામે કોંગ્રેસે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોરે 29 જૂને બોલાવી ટેકેદારોની બેઠક, ભાજપમાં જોડાય તેવી શક્યતા

અલ્પેશ ઠાકોરનું નિવેદન

મીડિયા સથે વાત કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે,'ચૂંટણી વખતે કોંગ્રેસને ઠાકોર સમાજના મત જોતા હતા, એટલે ત્યારે મારી સામે પગલાં ન લીધા. કોંગ્રેસ રાજકીય નફા-નુકસાનની જોઈ રહી છે. મેં વ્હિપનો અનાદર નથી કર્યો. મારું ધારાસભ્ય પદ હટાવવા માટે કોંગ્રેસ હવાતિયા મારે છે. નબળા લોકો પ્રજાના પ્રતિનિધિઓને સહન નથી શકતા. આવા નબળા લોકો બંધ બારણે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે અને મારા જેવા લોકોને ષડયંત્ર કરીને પક્ષ છોડવા મજબૂર કરે છે."

Alpesh Thakor gujarat news