ગુજરાત હાઈકોર્ટના 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત

10 September, 2020 01:09 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત હાઈકોર્ટના 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત

પ્રતિકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર યથાવત છે. પરંતુ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ કામકાજ કરવું જરૂરી છે. એટલે ગાઈડલાઈન્સનું પાલન કરવાની શરતે છૂટછાટ આપીને દરેક રાજ્યમાં કોર્ટ-કચેરીના કામકાજ શરૂ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત રાજ્યમાં પણ આ જ નિયમ અપનાવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં કામગીરી શરૂ કરતા પહેલા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન જાણ થઈ કે 12 કર્મચારીઓ કોરોના પૉઝિટિવ છે. એટલે કોર્ટની તમામ કાર્યવાહી 16 સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.

આગામી 14 સપ્ટેમ્બરથી કોર્ટની કામગીરીનો પ્રારંભ કરવાની વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટ પરીસરમાં કોરોના ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટમાં 9 સપ્ટેમ્બરના રોજ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 12 કર્મચારીઓના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન અનુસાર કોર્ટમાં સેનિટાઈઝેશન સહિતની કામગીરી કરવામાં આવી હતી. હાઈકોર્ટની જ્યુડિશિયલ એકેડેમી, ઓડિટોરિયમ, કાયદા ભવન, કોર્ટ રુમ, રેકોર્ડ રુમ, બેંક, પોસ્ટ ઓફિસ અને અન્ય તમામ જગ્યાઓને 12 સપ્ટેમ્બર 2020 થી સેનિટાઈઝ કરવામાં આવશે. જેના માટે ત્રણથી ચાર દિવસનો સમય જરૂરી હોવાથી સ્થાયી સમિતિ સાથે વિચાર-વિમર્શ કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે, હાઇકોર્ટ 15 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. અદાલતી કામગીરી વર્ચ્યુલ રીતે પણ સ્થગિત રહેશે. હાઈકોર્ટની કામગીરી સેનિટાઈઝેશન પછી 16 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે

coronavirus covid19 gujarat ahmedabad