સરકાર માગે છે ટેક્સના 29 હજાર કરોડ, 40 હજાર ઔદ્યોગિક એકમોએ નથી ચૂકવ્યા

15 July, 2019 12:36 PM IST  |  ગાંધીનગર

સરકાર માગે છે ટેક્સના 29 હજાર કરોડ, 40 હજાર ઔદ્યોગિક એકમોએ નથી ચૂકવ્યા

હજી કેટલાક દિવસો પહેલા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે GSTના કારણે રાજ્યની તિજોરીને નુક્સાન થતું હોવાનું નિવેદન આપ્યું હતું. જો કે હવે ટેક્સને લઈ બીજા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારને હજી 29 હજાર કરોડનો ટેક્સ વસુલવાનો બાકી નીકળે છે. રાજ્યના 40 હજાર જેટલા ઔદ્યોગિક એકમોએ રાજ્ય સરકારને ટેક્સ નથી ચૂકવ્યો

GST અને સેલ ટેક્સ પેટ 29 હજાર કરોડની વસુલાત બાકી છે. ઔદ્યોગો પ્રમાણે વાત કરીએ તો 6,393 ઉદ્યોગો એવા છે, જેમનો 10 લાખ કે તેથી વધુનો ટેક્સ ચૂકવવાનો બાકી છે. ટેક્સ ચૂકવવાના બાકી હોય તેવા શહેરોમાં સુરત આગળ છે. સુરતના 7,592 એકમોએ ટેક્સ નથી ચૂકવ્યો તો વડોદરાના 7,377 ઔદ્યોગિક એકમોનો ટોક્સ વસુલવાનો બાકી નીકળે છે. ઉલ્લેખનીય છે કે વડોદરાની આસપાસના વિસ્તારોમાં કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર, ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેક્નોલોજી, ફિશરીઝ એન્ડ ડેરીના ક્ષેત્ર સાથે સંકળાયેલા ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે. વડોદરા પાસે 18,000 જેટલા લઘુ અને મધ્ય ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં 5,713 એકમો સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલા છે અને 1,923 એકમો ટેક્સટાઇલ સેક્ટરના છે. રકમ પ્રમાણે વાત કરીએ તો આ લિસ્ટમાં વડોદરા ટોચ પર છે. વડોદરાના ઓદ્યોગિક એકમોને રાજ્યમાં સૌથી વધુ ટેક્સની રકમ ચૂકવવાની બાકી છે.

રાજકોટના 5,560 ઉદ્યોગોએ ટેક્સ નથી ચૂકવ્યો તો મોરબીના 4,145 અને કચ્છના 3,974 એકમોએ ટેક્સ ચૂકવવાનો બાકી નીકળે છે. આ જ લિસ્ટને રકમ પ્રમાણે જોઈએ તો સુરતના ઉદ્યોગો પાસેથી 4,250 કરોડ, વડોદરાના ઉદ્યોગો પાસેથી 6,341 કરોડ,કચ્છના ઉદ્યોગો પાસેથી 4,569 કરોડ,મોરબીના ઉદ્યોગો પાસેથી 2,766 કરોડ અને ભાવનગરના ઉદ્યોગો પાસેથી 1,722 કરોડ રૂપિયા વસુલવાના બાકી છે.

gujarat goods and services tax gandhinagar