જૈનોના પવિત્ર શત્રુંજય પર્વત પર નહીં થાય પર્વતારોહણ

09 December, 2019 08:30 AM IST  |  Gandhinagar

જૈનોના પવિત્ર શત્રુંજય પર્વત પર નહીં થાય પર્વતારોહણ

શત્રુંજય પર્વત

આ વર્ષે ગુજરાત સરકારે ગિરનાર તેમ જ અન્ય પર્વતીય વિસ્તારોની સાથે પહેલી વખત શત્રુંજય પર્વત પર પર્વતારોહણનું આયોજન કર્યું હતું પરંતુ તેનાથી પર્વતની પવિત્રતા અને આધ્યાત્મિક્તા જોખમાય તેમ લાગતા જૈન સમાજે આ આયોજન સામે વિરોધ નોંધાવ્યો હતો, વિરોધનો વંટોળ ઊઠતા ગુજરાત સરકારે શત્રુંજય પર્વત પરનો પર્વતારોહણ કાર્યક્રમ રદ કર્યો
પર્વતારોહણને તાત્કાલિક અટકાવી દેવા માટે વિનંતી કરતો ઈ-મેઇલ મુખ્ય પ્રધાનને કરીને વિરોધ નોંધાવવા જૈન સમાજને અપીલ કરતો મેસેજ સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો તેમ જ જૈન અગ્રણીઓ અને સંઘોએ રજૂઆત કરી હતી – જૈન સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને શત્રુંજય પર્વત પર પર્વતારોહણનું આયોજન સરકાર દ્વારા રદ કરાયું.

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગુજરાતમાં યોજાતા પર્વતારોહણ કાર્યક્રમમાં આ વખતે પહેલી વાર જૈનોના પવિત્ર સ્થળ પાલિતાણા ખાતે આવેલા શત્રુંજય પર્વત પર પર્વતારોહણ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી, પરંતુ પર્વતારોહણ કાર્યક્રમથી શત્રુંજય પર્વતની પવિત્રતા અને આધ્યાત્મિક્તા જોખમાશે તેમ લાગતા જૈન સમાજે આ આયોજન સામે વિરોધ નોંધાવતા અને રજૂઆત કરતાં ગુજરાત સરકારે શત્રુંજય પર્વત પરનો પર્વતારોહણનો કાર્યક્રમ રદ કર્યો છે.
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આ વખતે પાલિતણામાં આવેલા શત્રુંજય પર્વત પર પર્વતારોહણનો કાર્યક્રમ યોજાવાની જાહેરાત થઈ હતી. શત્રુંજય પર્વત પર પર્વતારોહણની જાહેરાતની સામે ધીમે ધીમે જૈન સમાજમાં વિરોધ શરૂ થયો હતો. આ વિરોધ એટલે સુધી થયો હતો કે શત્રુંજય પર્વત પર યોજાનારા પર્વતારોહણને તાત્કાલિક અટકાવી દેવા માટે વિનંતી કરતો ઈ-મેઇલ મુખ્ય પ્રધાનને કરીને વિરોધ નોંધાવવા જૈન સમાજને અપીલ કરતો મેસેજ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ ઉપરાંત જૈન અગ્રણીઓ અને સંઘોએ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી હતી.
સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા મેસેજમાં એમ જણાવાયું હતું કે જૈનોનું પવિત્ર તીર્થ શત્રુંજય રેસ કે સ્પર્ધા માટે નથી, સાધના માટે છે. એની પવિત્રતાને આ જાહેરાતથી જોખમ છે, જેનો તમામ જૈનો વિરોધ કરીએ છીએ. સરકાર આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચે. પવિત્ર તીર્થ શત્રુંજય ગિરિરાજ પર ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહાતીર્થના એકેએક પગથિયાં વંદનીય છે તેવા પવિત્ર પગથિયાં પર ચઢવા-ઊતરવાની સ્પર્ધાનું આયોજન એ આ તીર્થની પવિત્રતાને નષ્ટ કરી નાખશે, મનોરંજન અને સ્પર્ધાનું સ્થળ બની જશે, હરવા-ફરવાનું સ્થળ બની જશે. આ બધું શત્રુંજય ગિરિરાજ પર શરૂ થાય તે પહેલાં ઉગ્ર વિરોધ કરીને અટકાવવું જોઈએ. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના પ્રધાનને પત્ર લખી વિરોધ દર્શાવી આવી સ્પર્ધાઓ પવિત્ર તીર્થ પર બંધ કરાવો.
જૈન અૅલર્ટ ગ્રુપના પલક શાહે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘શત્રુંજય પર્વત પર પર્વતારોહણની સ્પર્ધા સામે વિરોધ થયો હતો. કેમકે આવી સ્પર્ધાના કારણે પવિત્ર પર્વતની પવિત્રતા જળવાશે નહીં, સ્પર્ધાના કારણે બધા આવે, ગમે તે ખાય એ બધું યોગ્ય ન કહેવાય. જેથી સ્વયંભૂ સમગ્ર જૈન સમાજે વિરોધ કર્યો છે. આ ઉપરાંત શત્રુંજય ગિરિરાજ પવિત્ર સ્થાન છે, આવી સ્પર્ધા ત્યાં ન રાખવી જોઈએ તેવા ઈ-મેઇલ પણ મુખ્ય પ્રધાનની ઑફિસમાં કર્યા છે.’
આણંદજી પેઢીના શ્રીપાલભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શત્રુંજય પર્વત પર પર્વતારોહણના મુદ્દે પત્ર દ્વારા રજૂઆત કરી હતી કે પવિત્રતા –આધ્યાત્મિકતા જોખમાય તેમ છે. મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અને રમતગમત પ્રધાનને રજૂઆત કરી હતી. હવે તે આયોજન રદ થઈ ગયું છે.’
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર દિનેશ કાપડિયાને શત્રુંજય પર્વત પરના પર્વતારોહણના મુદ્દે પૂછતા તેઓએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘જૈન સમાજની રજૂઆત હતી કે પવિત્ર ધામ છે, શરૂઆત ન કરો. એટલે લાગણીને ધ્યાનમાં રાખીને શત્રુંજય પર્વત પર પર્વતારોહણને રદ કર્યું છે. શત્રુંજય પર્વત પર પર્વતારોહણ કાર્યક્રમ નહીં થાય.’

gujarat Vijay Rupani