ગુજરાત: માસ્ક ન પહેરનારની સજાનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

03 December, 2020 12:26 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત: માસ્ક ન પહેરનારની સજાનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

કોરોના મહામારીને ગંભીરતાથી ન લેનાર અને એકથી વધુ વાર માસ્ક ન પહેરતા ઝડપનાર લોકોને કોવિડ સેન્ટરમાં નોન મેડિકલ ફેસિલિટી સેવા માટે મોકલવાનો ગુજરાત હાઈ કોર્ટે હુકમ કર્યો હતો. હવે હાઈકોર્ટના આ આદેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.  ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી.

ગુજરાત હાઈ કોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર, સોશ્યલ ડિસ્ટન્સ અને અન્ય નિયમનોનું પાલન કરનાર લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન મેડિકલ સેવા માટે મોકલવાનો પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે. રાજ્ય સરકાર આગામી સુનાવણી, એટલે કે ૪ ડિસેમ્બરે ઉપરોકત સૂચનોના અમલનો સ્ટેટ્સ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરે.

ગુજરાત હાઈ કોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર લોકોને ૫ થી ૧૫ દિવસ સુધી લોકલ કોવિડ સેન્ટરમાં ૪ થી ૬ કલાક સુધી સેવા કરવાનો નિર્દેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી ૪ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરતા રાજ્ય સરકારે જણાવ્યું હતું કે માસ્ક ન પહેરનાર વ્યક્તિને કોવિડ કૅર સેન્ટરનું ચલણ આપ્યા બાદ તેનું અમલીકરણ કઈ રીતે કરવું એ મુદ્દે કોઈ નિર્ણય લઈ શક્યા નથી.

રાજ્ય સરકાર વતી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે માસ્ક ન પહેરનાર લોકોને પકડી કોવિડ કૅર સેન્ટરનું ચલણ આપી શકાય પરંતુ એ વ્યક્તિ કોવિડ સેન્ટરમાં ગયો છે કે કેમ અને કઈ હૉસ્પિટલમાં કે સેન્ટરમાં તેમને મોકલવા તેની અમલવારી અંગે રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકી નથી. માસ્ક ન પહેરનાર લોકોને કોવિડ કૅર સેન્ટર મોકલવાના અમલીકરણ માટે વધારાના સ્ટાફની પણ જરૂર પડશે, જ્યારે વર્તમાન સમયમાં મોટા ભાગના કર્મચારીઓ જુદી જુદી સેવામાં જોડાયેલા છે. અમે કડક પગલાં લઈ રહ્યાં છે, આગામી સોમવાર સુધી સ્થિતિ સુધરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

gujarat coronavirus covid19 supreme court gandhinagar