રઘવાટ 2.0

22 May, 2020 08:03 AM IST  |  Gujarat | Rashmin Shah

રઘવાટ 2.0

લૉન લેવા માટે લાગેલી લાઇનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા

એક લાખ રૂપિયાની આત્મનિર્ભર લોનની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા પછી ગઈ કાલે સૌરાષ્ટ્રમાં ફૉર્મ-વિતરણ શરૂ થતાં લોકોનાં ટોળેટોળાં ફૉર્મ લેવા પહોંચી ગયાં હતાં. બૅન્ક ખૂલી નહોતી ત્યાં સુધી તો સૌકોઈએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું, પણ જેવી ફૉર્મ આપવાની બારી ખૂલી એટલે લોકો કોરોનાના ભયને ભૂલીને વિન્ડો પર તૂટી પડ્યા હતા. એક તબક્કે તો એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડે. જોકે સદ્ભાગ્યે એની નોબત આવી નહોતી. હકીકત એ છે કે હજી સુધી બૅન્કોએ આ ફૉર્મ છપાવ્યાં જ નથી. લૉકડાઉન ખૂલ્યાને માંડ ૩૬ કલાક થયા ત્યાં જ ફૉર્મ માટે લોકો પહોંચી જતાં આ અંધાધૂંધી ફેલાઈ હતી.

મજાની વાત એ છે કે આ ફૉર્મની કોઈ કિંમત રાખવામાં આવી નથી. વિનામૂલ્ય ફૉર્મ આપવાનું હોવાથી બૅન્કને આ ફૉર્મના પ્રિન્ટિંગનો ખર્ચ ક્યાંથી લેવો એની પણ હજી સુધી ખબર નથી એટલે મોટા ભાગની બૅન્કોએ ફૉર્મ છાપવાની પ્રક્રિયા હજી શરૂ કરી નથી અને ત્યાં જ સરકારે જાહેર કરેલી તારીખ આવી જતાં લોકો બૅન્કમાં પહોંચી ગયા હતા.

લોનની ખાસિયત શું છે?
મહત્તમ એક લાખ રૂપિયા સુધી મળનારી આ લોન ૩૬ મહિનામાં પૂરી કરવાની રહેશે. પહેલા ૬ મહિના એક પણ હપ્તો ભરવાનો નથી અને સાતમા મહિનાથી હપ્તાની શરૂઆત થશે. લોન પર વ્યાજ ૮ ટકા રહેશે, જેમાંથી ૬ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે, લોનધારકે માત્ર બે ટકા વ્યાજ ચૂકવવાનું રહેશે. લોનનો હપ્તો ૩પ૩પ રૂપિયા રહેશે.

gujarat national news