ગુજરાત સરકારની મહિલાઓ માટે અનોખી પહેલ, આત્મનિર્ભર બનાવવા કરી આ જાહેરાત

13 September, 2020 12:05 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત સરકારની મહિલાઓ માટે અનોખી પહેલ, આત્મનિર્ભર બનાવવા કરી આ જાહેરાત

ફાઈલ તસવીર

ગુજરાતની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani)એ 'મહિલા કલ્યાણ યોજના'ની જાહેરાત કરી છે. તે માટે ગુજરાત સરકારે 175 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજના અંતર્ગત મહિલાઓને અનેક છૂટછાટ આપવામાં આવશે.

'મહિલા કલ્યાણ યોજના' અંતર્ગત 10 લાખથી વધુ મહિલાઓને વગર વ્યાજની લોન આપવામાં આવશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ આગળ આવશે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'ની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. આ નિર્ણયથી કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા માટે આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે.

રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'નો લાભ મળશે. કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં યોજનામાં જોડાવા અંગેના એમઓયુ કરશે. 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન ધિરાણ મળશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે.

રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતા સાથે સ્વમાન ભેર જીવવાનાં સપનાં-અરમાન પાર પાડવામાં 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના' ઉદીપક બનશે. હવે આ યોજનાથી મહિલાઓને તેમના નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌશલ્ય અને સપનાં સાકાર કરવાની તક આપવામાં આવશે.

gujarat Gujarat BJP Vijay Rupani