વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદઃ પાકને મોટું નુકસાન

28 March, 2020 02:51 PM IST  |  Gandhinagar | Agencies

વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદઃ પાકને મોટું નુકસાન

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગઈ કાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગઈ મોડી રાતે ગાજવીજ સાથે અહીં કમોસમી વરસાદે આગમન કર્યું છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે તેમનો ઊભો પાક પણ પલળી ગયો છે અને લૉકડાઉનને કારણે તેમણે સંગ્રહ કરેલું અનાજ પણ વેચાઈ નથી રહ્યું. આથી ખેડૂતોની પણ માગ છે કે સરકાર આ સમયે તેમના માટે પણ વિશેષ સહાયની જાહેરાત કરે.

અરવલ્લી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડાસા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતાં ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં નુકસાન જોવા મળ્યું હતું. સમગ્ર અરવલ્લી પંથકમાં કમોસમી વરસાદથી ઊભો પાક પલળી જતાં ખેડૂતો ચિંતિત જોવા મળ્યા. સાપુતારામાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવેલ છે અને અહીં ચોમાસા જેવો માહોલ માર્ચ મહિનામાં જોવા મળી રહ્યો છે. શુક્રવારે સવારે ગિરિકન્દ્રામાં પણ ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી જેથી અદ્ભુત દૃશ્યો સર્જાયાં હતાં. નસવાડી તાલુકામાં બરફના કરા સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતો સાથે સીસીઆઇને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સીસીઆઇએ ખરીદી કરેલો કપાસ પલળી ગયો. સીસીઆઇએ ૩૨ હજાર ક્વિન્ટલ અને ૭૦૦ રૂપિયા પ્રતિ નંગથી ખરીદેલી ગાંસડીઓ જીનમાં પડી હતી એ પલળી ગઈ છે. પાણીનો નિકાલ કરવા રોજમદારો કર્મચારીઓ જોતરાયા. આ ઉપરાંત તલ, મકાઈ સહિતનો પાક બગડ્યો છે.

gujarat gandhinagar Gujarat Rains