ગુજરાતમાં આવનારા 48 કલાક ભારે વરસાદની આગાહી

06 July, 2020 01:32 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં આવનારા 48 કલાક ભારે વરસાદની આગાહી

વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા

ગુજરાત રાજ્યમાં જાણે હવે ચોમાસુ બેઠું છે. રાજ્યમાં લગભગ છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે. જોકે, હવામાન વિભાગે પહેલા જ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી. એટલું જ નહીં ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે બધા જીલ્લાઓમાં આવનારા 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર સક્રિય થયું છે. જ્યારે બીજી બાજુ પહેલેથી જ સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય છે. આમ ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો પણ તહેનાત કરી દેવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની અને તેમાં પણ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થશે. 8 જૂલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થશે. પવન સાથે ભારે વરસાદની શક્યતાને લઈ તંત્ર અલર્ટ પર છે. દરિયાઇકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં  દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 18.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ પડયો હતો. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હતુ અને 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે વહેલી સવારથી અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

સોમવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ગુજરાતના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અમરેલીના જાફરાબાદમાં સૌથી વધારે બે ઇંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ થઈ શકે છે. આજે પણ દ્વારકા અને જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને ભરૂચમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે.

gujarat Gujarat Rains ahmedabad surat junagadh kutch saurashtra vadodara navsari bharuch rajkot bhavnagar