યોગ્ય ભાવ ન મળતાં રાજકોટ યાર્ડમાં ખેડૂતોએ શાકભાજીનું વેચાણ બંધ કર્યું

09 February, 2020 09:01 AM IST  |  Rajkot

યોગ્ય ભાવ ન મળતાં રાજકોટ યાર્ડમાં ખેડૂતોએ શાકભાજીનું વેચાણ બંધ કર્યું

પ્રતીકાત્મક તસવીર

શિયાળાની ઋતુમાં શાકભાજીની બમણી આવક થવાથી રાજકોટ યાર્ડમાં ફ્લાવર, કોબિજ અને ટમેટાં ૧થી ૨ રૂપિયા કિલોના ભાવે મળે છે. જ્યારે આ જ શાકભાજી જ્યુબિલી, ગુંદાવાડી, કાલાવાડ રોડ, યુર્નિવર્સિટી રોડ, મવડી, પુષ્કરધામ સહિત રાજકોટ શહેરની વિવિધ શાકમાર્કેટમાં પહોંચે તો ભાવ સીધા ૧૦ ગણા થઈ જાય છે. યાર્ડમાં ૧થી ૨ રૂપિયાના કિલો લેખે વેચાતાં શાકભાજીના સામાન્ય ગ્રાહકને છૂટકમાં ૧૦થી ૨૦ રૂપિયા ચૂકવવા પડે છે. ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા ખેતરમાંથી શાકભાજી ઉપાડવાનું જ બંધ કરી દીધું છે. તો કેટલાક ખેડૂતો કોબિજ, ફ્લાવર અને ટમેટાં સહિતનાં શાકભાજી ગામમાં અથવા તો ચોરા પર ગાયોને ખવડાવે છે અથવા તો યાર્ડમાં લાવવાને બદલે ગૌશાળામાં મોકલી દે છે.

આ ઉપરાંત સ્થાનિક આવક જ એટલી છે કે યાર્ડમાં શાકભાજી રાખવાની જગ્યા ટૂંકી પડે છે. જેને કારણે અન્ય રાજ્યોની આવકને સ્ટોપ કરવી પડે છે. રાજકોટ યાર્ડમાં હાલમાં ગવરીદડ, સરધાર, ત્રંબા, પડધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી શાકભાજી આવી રહ્યાં છે. હાલ સૌથી વધુ આવક ટમેટાં, કોબિજ, ફ્લાવર, કોથમીર, મેથી અને પાલકની છે. જ્યારે ગુવાર અને ભીંડાની આવક ઓછી હોવાથી તે મોંઘા છે.

gujarat rajkot