વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતામાં, સીએમ રૂપાણીએ કરી મહત્ત્વની જાહેરાત

14 July, 2019 11:01 AM IST  |  ગાંધીનગર

વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતામાં, સીએમ રૂપાણીએ કરી મહત્ત્વની જાહેરાત

ખેડૂતો માટે રૂપાણી સરકારની મહત્વની જાહેરાત

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે, ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રજાલક્ષી મહત્ત્વનો નિર્ણય લીધો છે.  આજી-૨ ડૅમમાંથી ૭૦ એમસીએફટી પાણી રાજકોટ જિલ્લાનાં ૮ ગામોને અપાશે, જેનો ઉપયોગ સિંચાઈ, ઘાસચારા માટે થશે.

મળતી માહિતી મુજબ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહત્ત્વનો નિર્ણય લેતા રાજકોટનાં ૮ ગામને આજી-૨ ડૅમમાંથી ૭૦ એમસીએફટી પાણી છોડવાનું નક્કી કર્યું છે. નીચાણવાળા વિસ્તારના અડબાલકા, ગઢડા, બાઘી, નારણકા, ખંઢેરી, ઉકરડા, દહીંસરડા, કોઠારિયાના અંદાજે ૨૦૦૦ એકર વિસ્તારને લાભ થવાનો છે.

માલધારીઓને બજારમાંથી મોંઘો ઘાસચારો લાવવો પોસાતો નથી. બીજી બાજુ સરકાર દ્વારા મહિને ઘાસચારાનો જે જથ્થો આપવામાં આવે છે તે ખૂબ જ અપૂરતો હોવાનું માલધારીઓ જણાવી રહ્યા છે. માલધારીઓ અને ખેડૂતો પાસે હાલમાં પૈસા ખલાસ થઈ ગયા છે. ઘણા ખેડૂતોએ તો બજારમાંથી એટલે કે ખાનગી વ્યક્તિઓ પાસેથી પાંચથી દસ ટકા વ્યાજ લેખે પૈસા ઉછીના લીધા છે જેનું વ્યાજ તેઓ ભરી રહ્યા છે. આથી હવે તેઓ બીજા પૈસા લાવી શકવાની સ્થિતિમાં નથી જેને કારણે મૂગાં પશુઓની હાલત વધુ કફોડી બની છે.

આ પણ વાંચોઃ કાર્ટૂન્સ કે જે તમને યાદ અપાવશે તમારા બાળપણની

સરકારના સંવેદનશીલ અભિગમના પરિણામે આજી-૨ ડૅમના નીચાણવાસમાં આવેલાં ૮ ગામોને પ્રત્યક્ષ કે પરોક્ષ સિંચાઇ, ઘાસચારા અને પશુધન નિભાવ તેમ જ પશુ પક્ષના પીવાના ઉપયોગ માટે નદીમાં પાણી અપાશે.

rajkot Vijay Rupani gujarat