ગુજરાતમાં ભૂતપૂર્વ આઇએએસ ઑફિસર પ્રદીપ શર્માની ધરપકડ

06 March, 2023 11:23 AM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદે જમીન ફાળવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના આરોપસર કાર્યવાહી કરવામાં આવી

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

ભુજ (પી.ટી.આઇ.) : ગુજરાત સીઆઇડીએ ગઈ કાલે ભૂતપૂર્વ આઇએએસ ઑફિસર પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી. શર્મા ૨૦૦૪-૦૫માં કચ્છ જિલ્લાના કલેક્ટર હતા એ સમયગાળામાં ખૂબ જ ઓછી કિંમતે ગેરકાયદે જમીન ફાળવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી છે. 

ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેડેન્ટ (સીઆઇડી ક્રાઇમ) વી. કે. નાઈએ કહ્યું હતું કે ૧૯૮૪ની બેચના આઇએએસ ઑફિસર શર્મા અને અન્ય બે જણની વિરુદ્ધ શનિવારે સીઆઇડી (ક્રાઇમ) બૉર્ડર ઝોન પોલીસ સ્ટેશન ખાતે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. 

શર્માની ગાંધીનગરથી અટકાયત કરવામાં આવી હતી અને ગઈ કાલે સવારે તેમની ધરપકડ થઈ હતી. તેમની ધરપકડના સમયે શર્મા પહેલાંના કેસોમાં જામીન પર બહાર હતા.’

આ એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે કલેક્ટર તરીકેની તેમની સત્તાનો દુરપયોગ કરીને તેમ જ કિંમત નક્કી કરવા માટેની સરકારની જોગવાઈઓની અવગણના કરીને ખૂબ જ ઓછી કિંમતે સરકારી જમીન ફાળવી હતી. 

gujarat news bhuj