15 April, 2026 12:32 PM IST | Umargam | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા ઉમરગામના મામલતદાર દલપત બ્રહ્મણકચ્છે સોમવારે રાતે આપઘાત કરતાં ચકચાર મચી છે. ગુજરાતમાં ઇલેક્શનના માહોલ વચ્ચે ચૂંટણીની કામગીરીમાં સામેલ મામલતદારના આપઘાતથી અનેક સવાલ ઊઠ્યા છે.
ઉમરગામના મામલતદાર દલપત બ્રહ્મણકચ્છે સોમવારે રાતે ઉમરગામ રેલવે-સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. સોમવારે તેઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હતા અને રાતે આપઘાત કરતાં અનેક સવાલ ઊઠ્યા છે. જોકે આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ એવી ચર્ચા છે કે ચૂંટણીના કામને લઈને તેમના પર દબાણ હતું.
આ ગંભીર ઘટના વિશે સ્થાનિક યુવા શક્તિ સંગઠને વલસાડ જિલ્લા પોલીસ અધિકારીને મામલતદારની આત્મહત્યા બાબતે નિષ્પક્ષ તપાસ કરવા માટે પત્ર લખીને માગણી કરી છે. મામલતદારના કૉલ ડીટેલ રેકૉર્ડની, કોણે ફોન કર્યા એની, વૉટ્સઍપ તથા અન્ય ડેટાની તપાસ કરવાની સાથે કચેરીનાં CCTV કૅમેરાનાં ફુટેજ જપ્ત કરીને તપાસ કરવાની માગણી કરી છે.