ગુજરાતમાં બીજેપીએ ડબલ હૅટ-ટ્રિક સાથે રેકૉર્ડબ્રેક જીત મેળવી

09 December, 2022 08:39 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વિધાનસભાની ચૂંટણીમાં કોરોના, બેરોજગારી, મોંઘવારી, પેપરકાંડ સહિતનાં ફૅક્ટર ન ચાલ્યાં અને વિકાસના મુદ્દે મતદારોએ બીજેપીમાં મૂક્યો ભરોસો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ ડબલ હૅટ-​ટ્રિક સાથે રેકૉર્ડબ્રેક જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકમાંથી બીજેપીને ૧૫૬ બેઠક પર જીત મળી છે. વિધાનસભાની આ ચૂંટણીમાં ત્રિપાંખિયા ચૂંટણીજંગનો લાભ બીજેપીને મળ્યો છે અને અધધધ બેઠકો મેળવી ગઈ છે, જ્યારે કૉન્ગ્રેસનાં સૂપડાં સાફ થવાની સાથે એ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં બેઠકોનું ખાતું ખોલાવ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગયાં પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતમાં ઘણા મુદ્દે વિરોધ ઊઠ્યો હતો અને કોરોનાનો કપરો કાળ પણ આવ્યો હતો, ઘણી તકલીફો નાગરિકોએ વેઠવી પડી હતી અને સરકારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અને મોંઘવારીનો સામનો પણ ગુજરાતની જનતા કરી રહી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં કોરોના, બેરોજગારી, મોંઘવારી, પેપરકાંડ સહિતનાં ફૅક્ટર ચાલ્યાં નહીં અને વિકાસના મુદ્દે મતદારોએ બીજેપીમાં ભરોસો મૂકીને ફરી એક વાર બીજેપીને સત્તાનું સુકાન સોંપ્યું છે. ઉલ્લેખનીય બાબત એ રહી કે આ વખતની ચૂંટણીમાં આદિવાસી પટ્ટા અને સૌરાષ્ટ્રમાં કૉન્ગ્રેસની કમિટેડ વોટ-બૅન્કમાં ગાબડાં પાડીને મતો પોતાની તરફ લઈ જવામાં બીજેપીની રણનીતિ સફળ રહી છે. આદિવાસી પટ્ટાના અને સૌરાષ્ટ્રના મતદારોએ બીજેપીમાં વિશ્વાસ મૂકીને ખોબલે-ખોબલે મતો આપ્યા છે.

બીજેપીએ ગુજરાતમાં ૧૯૯૮થી એક પણ વિધાનસભાની ચૂંટણીમાં જનાદેશ ગુમાવ્યો નથી. ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ સતત વિજય મેળવ્યો હતો અને આ વખતે ૨૦૨૨માં બીજેપીએ રેકૉર્ડબ્રેક વિજય મેળવીને સતત છઠ્ઠી વાર વિધાનસભાની ચૂટણીમાં વિજય મેળવીને વિજયની ડબલ હૅટ-ટ્રિક કરી છે.

આ વખતની ચૂંટણીમાં કોરોના, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ હોવા છતાં કૉન્ગ્રેસ મતદારોને મતદાનમથક સુધી લઈ જવામાં નિષ્ફળ રહી છે. એટલું જ નહીં, આમ આદમી પાર્ટીએ પણ મફતની રાજનીતિ કરીને ગુજરાતના મતદારોને લલચાવવાની કોશિશ કરી, પરંતુ ગુજરાતના મતદારે આ મફતની રાજનીતિમાં વિશ્વાસ મૂક્યો નહીં.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP shailesh nayak