કેજરીવાલ ગુજરાતમાં આદિવાસી કાર્ડ રમ્યા

08 August, 2022 09:18 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

આપના સુપ્રીમોએ ખાસ કરીને ‘પેસા’ ઍક્ટના અમલ તેમ જ દરેક આદિવાસી ગામમાં સ્કૂલ, મફત સારવાર, ઘર, રસ્તાની સુવિધા અને કાસ્ટ સર્ટિફિકેટની પ્રક્રિયાને સરળ બનાવવાનાં વચન આપ્યાં

વડોદરામાં ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (એએપી-આપ)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગઈ કાલે આદિવાસી કાર્ડ રમ્યા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મફત વીજળી અને બધાને રોજગારીનું વચન આપનાર કેજરીવાલે હવે આદિવાસી સમાજ માટે અનેક જાહેરાતો કરી છે. તેમણે આદિવાસીઓ માટે પેસા (પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ્ડ એરિયા) ઍક્ટને સંપૂર્ણપણે લાગુ કરવા, આદિવાસી સમાજની વ્યક્તિને જ ટ્રાઇબલ ઍડ્વાઇઝરી કમિટીના ચૅરમૅન બનાવવા તથા દરેક ગામમાં સ્કૂલ, મફત સારવાર, ઘર, રસ્તાની સુવિધા અને કાસ્ટ સર્ટિફિકેટની પ્રક્રિયાને સરળ બનાવવાનાં વચન આપ્યાં છે.

પ્રેસ-કૉન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે ‘આદિવાસી સમાજ આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ પછાત છે. આદિવાસીઓ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ છે, પરંતુ કોઈ સરકાર આ જોગવાઈઓનો અમલ કરવા તૈયાર નથી. તમામની નજર આદિવાસીઓના જંગલ અને જમીન પર રહે છે. અમારી સરકાર આવશે તો સૌથી પહેલી ગૅરન્ટી એ છે કે આદિવાસીઓ માટે પેસા ઍક્ટની જોગવાઈઓનો અમલ કરવામાં આવશે, જેથી ગામ વિશેના તમામ નિર્ણયો ગ્રામસભા જ લેશે. એટલું જ નહીં, ગ્રામસભાની મંજૂરી વિના આદિવાસી વિસ્તારોમાં સરકાર કોઈ પણ પગલું ભરી ન શકે.’

કેજરીવાલે બીજી ગૅરન્ટી તરીકે ટ્રાઇબલ ઍડ્વાઇઝરી કમિટીના ચૅરમૅન કોઈ આદિવાસીને જ બનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં સીએમ એના ચૅરમૅન છે એ વ્યવસ્થાનો અંત લાવવો જોઈએ.

દિલ્હીનું ઉદાહરણ આપીને તેમણે કહ્યું કે તેમની પાર્ટીની સરકાર બનશે તો દરેક આદિવાસી ગામમાં સારી સરકારી સ્કૂલ શરૂ કરવામાં આવશે, જેમાં શિક્ષણ મેળવીને આદિવાસી બાળકો આગળ વધી શકશે. સાથે જ તેમણે કહ્યું કે દરેક આદિવાસી ગામમાં ‘ગામ ક્લિનિક’ શરૂ થશે.

આદિવાસી વિસ્તારોમાં સારી સરકારી હૉસ્પિટલ્સ શરૂ થશે અને ત્યાં તમામની સંપૂર્ણપણે ફ્રીમાં સારવાર કરવામાં આવશે. જે આદિવાસીઓ પાસે પોતાનાં ઘર નથી તેમને પાકું મકાન આપવામાં આવશે. એટલું જ નહીં, દરેક ગામમાં પાક્કો રસ્તો બનાવવામાં આવશે. 

gujarat gujarat elections aam aadmi party arvind kejriwal