Gujarat Election: ડિજિટલ ઈન્ડિયા અંગે કીર્તિદાન ગઢવીનો આ સવાલ કેટલો સાચો?!

01 December, 2022 06:09 PM IST  |  Rajkot | Gujarati Mid-day Online Correspondent

બાદમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે તેમણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી.

કીર્તિદાન ગઢવી

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)નું પ્રથમ તબક્કા માટે મતદાન યથાવત છે.  સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન બુથ પર મતદારો મતદાન માટે લાંબી લાઈનોમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે ડાયરાના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi) પણ રાજકોટમાં મતદાન બુથ પર પોતાના મતાધિકાર માટે પહોંચ્યાં હતાં. પણ થયું એવું કે કીર્તિદાન ગઢવી  (Kirtidan Gadhvi)ને મત આપવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, પણ શા માટે? ચાલો જાણીએ.

લોકડાયરાના જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી રાજકોટ ખાતે મતદાન બુથ પર મત આપવા ગયા ત્યારે તેમને મત આપવાથી રોકવામાં આવ્યાં હતાં. કલાકાર પાસે આઈકાર્ડની હાર્ડકોપી ન હોવાથી ચૂંટણી અધિકારીઓએ તેમને અટકાવ્યાં હતાં. જ્યારે કે કીર્તિદાન ગઢવી પાસે આઈકાર્ડની સોફ્ટ કોપી હતી.  નિયમ પ્રમાણે જો મતદાર પાસે કોઈ પણ આઈકાર્ડની હાર્ડકોપી હોય તો જ તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. આવા સમયે તેમણે એવી દલીલ કરી હતી કે તેની પાસે આધારકાર્ડની ડિજિટલ કોપી છે છતાં પણ તેમને પોણો કલાક સુધી મત આપવા રાહ જોવી પડી હતી.

બાદમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે તેમણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. આ પ્રક્રિયા બાદ અધિકારીઓએ મત માટે અપ્રુવલ આપ્યું હતું અને માધાપર તાલુકા શાળા ખાતે કીર્તિદાને મતદાન કર્યુ હતું.  

આ ઘટના સમયે કીર્તીદાને ચૂંટણી પંચ અને મોદી સરકારના ડિજિટલ ઈન્ડિયા મીશનની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નિયમો બદલવાની જરૂર નથી. ભારતને ડિજિટલ બનાવવા અથાગ પ્રયાસો થઈ રહ્યાં છે, તો શું આમ ભારત ડિજિટલ બનશે તેવો સવાલ પણ કલાકારે કર્યો હતો.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતા કીર્તિદાન ગઢવીએ કહ્યું, `મારી પાસે આઈકાર્ડની હાર્ડ કોપી ન હોવાથી મને મતદાનથી રોકવામાં આવ્યો હતો. જો કે મારી પાસે ડિજિટલ કૉપી હતી જેનો હું દરેક જગ્યાએ ઉપયોગ કરું છું. પરંતુ હાર્ડ કોપી ન હોવાથી મને પોણો કલાક બેસાડી રાખ્યો હતો. એ જ સમયે મેં આ અંગે તુરંત જ કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે વડાપ્રધાન મોદી જયારે ડિજિટલ ભારતનું સપનું સેવી રહ્યાં છે ત્યારે આવા નિયમો કેમ? બધી જ જગ્યાએ ડિજિટલ કોપી માન્ય ગણાય છે તો મતદાન માટે કેમ નહીં?`  

તેમણે આગળ જણાવ્યું કે મારી જેમ અન્ય મહિલાઓને પણ આ જ કારણે મતદાનથી રોકવામાં આવ્યાં હતાં. જો કે બાદમાં ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરાવી તેમાં સહી કર્યા બાદ મને મતદાન કરવા દેવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે કીર્તીદાન ગઢવી ગુજરાતના મતદાન જાગૃતિ કેમ્પેઇનના બ્રાન્ડ એમ્બેસેડર છે. આવી સ્થિતિમાં આ ઘટનાને લોકો બે રીતે જોઈ રહ્યાં છે. એક, ચૂંટણી તંત્ર દ્વારા જે કડક વલણ અપનાવવામાં આવ્યું છે એ સાબિત કરે છે નિયમો બધા માટે સરખા છે પછી એ સામાન્ય માણસ હોય કે કોઈ મોટા કલાકાર. તો બીજી બાજુ કિર્તીદાન ગઢવીએ ડિજિટલ ભારતને લઈ ઉઠાવેલા સવાલને પણ સકારાત્મત રીતે લેવામાં આવી રહ્યો છે.  

નોંધનીય છે કે આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્ર-કચ્છની અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 788 ઉમેદવારો માટે મતદાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો:Gujarat Election:રિવાબાના સસરા અનિરુદ્ધ સિંહ જાડેજાએ પરિવાર વિખવાદ પર આપ્યું નિવેદન

 

gujarat news gujarat election 2022 gujarat elections Kirtidan Gadhvi rajkot