બીજેપીએ નવતર રણનીતિ અપનાવતાં એકસાથે ૮૨ બેઠક પર શરૂ કર્યો પ્રચાર

19 November, 2022 11:48 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય અને રાજ્યના આગેવાનો પ્રચાર માટે ગુજરાતના ખૂણે-ખૂણે ફરી વળ્યા

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ


અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બીજેપી ૧૫૦થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્ય લઈને ચાલી રહી છે ત્યારે બીજેપીએ નવતર રણનીતિ અપનાવતાં એકસાથે ૮૨ બેઠક પર ગઈ કાલથી એકસાથે ચૂંટણી-પ્રચાર શરૂ કર્યો છે. કેન્દ્રના અને રાજ્યના આગેવાનો પ્રચાર માટે ગુજરાતના ખૂણે-ખૂણે ફરી વળ્યા હતા.
ગુજરાતમાં મૅ​ક્સિમમ બેઠકો જીતવાના ભાગરૂપે બીજેપીએ ગઈ કાલથી કાર્પેટ બૉમ્બિંગ અંતર્ગત એકસાથે જાહેર સભાઓ યોજી હતી, જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉપમુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્ય, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, અનુરાગ ઠાકુર, અજયકુમાર મિશ્રા  સહિત કેન્દ્રીય પ્રધાન મંડળના સભ્યો, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત બીજેપી સંસદસભ્યો તેમ જ પદાધિકારીઓએ ગુજરાતમાં ઠેર-ઠેર જાહેરસભાઓ યોજીને બીજેપીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરી હતી.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે ગીર સોમનાથ જિલ્લામાં કોડિનાર ખાતે જાહેરસભાને સંબોધતાં કહ્યું હતું કે ચૂંટણી આવે એટલે જાત-જાતની વાતો કરવામાં આવશે, પણ આપણી સામે દેશના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી વિકાસની રાજનીતિ અને વડા પ્રધાન પર વિશ્વાસ મૂકી બીજેપીને સત્તાના માધ્યમથી 
સેવા કરવા માટે જનતા પોતાની 
મંજૂરીની મહોર મારે છે. લોકતંત્રના મહાપર્વમાં કોણે શું કર્યું છે એમાં ન પડતાં બીજેપીની સરકાર દ્વારા છેલ્લાં ૨૦ વર્ષોમાં શું કર્યું? કેવો વિકાસ કરવામાં આવ્યો છે એની વાત જનતા સમક્ષ કરી બીજેપીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીને વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવાનું છે.

gujarat election 2022 gujarat elections bhupendra patel