પ્રચાર પડઘમ શાંત પડે એ પહેલાં અમદાવાદ રોડ-શોના રંગે રંગાયું

04 December, 2022 10:55 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસે બીજેપી, કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ રોડ-શો કર્યા ઃ ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન કૉન્ગ્રેસના ઉમેદવારના રોડ-શોમાં જોડાતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

ગુજરાતના મુખ્ય પ્રધાન અને ઘાટલોડિયા બેઠકના બીજેપીના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે રોડ-શો કર્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અમદાવાદમાં વેજલપુર બેઠક પરના કૉન્ગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલના રોડ-શોમાં ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન જોડાયા હતા.


અમદાવાદ ઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન પહેલાં ગઈ કાલે પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલાં અમદાવાદ શહેર રાજકીય પક્ષોના ઉમેદવારોના રોડ-શોના રંગે રંગાયું હોવાનો માહોલ ક્રીએટ થયો હતો.
ગુજરાતના મુખ્ય પ્રધાન અને અમદાવાદની ઘાટલોડિયા બેઠકના બીજેપીના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે ચેનપુરમાંથી રોડ-શો કર્યો હતો અને નાગરિકોનું અભિવાદન કર્યું હતું. તેમના રોડ-શોમાં બીજેપીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઘાટલોડિયા ઉપરાંત અમદાવાદની અમરાઇવાડી, એલિસબ્રિજ, નારણપુરા સહિત ૧૬ વિધાનસભા વિસ્તારમાં કેસરિયા રૅલીનું આયોજન કરાયું હતું. બીજેપીના અમદાવાદના ઉમેદવારોએ રોડ-શો કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
બીજી તરફ અમદાવાદમાં દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના કૉન્ગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે તેમના મતવિસ્તારમાં રોડ-શો કર્યો હતો. બીજી તરફ વેજલપુર બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવારના રોડ-શોમાં ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન જોડાયા હતા. મોહમ્મદ અઝહરુદ્દીને કૉન્ગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલની સાથે ખુલ્લી જીપમાં ઊભા રહીને શહેરીજનોનું અભિવાદન કર્યું હતું. મોહમ્મદ અઝહરુદ્દીન રોડ-શોમાં જોડાતાં અમદાવાદના નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાપુનગર બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે મહાબાઇક રૅલી યોજીને રોડ-શો કર્યો હતો.
બીજેપી અને કૉન્ગ્રેસની જેમ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ તેમના સમર્થકો સાથે ઘાટલોડિયા બેઠક સહિતની બેઠકો પર રોડ-શો કર્યા હતા.

gujarat election 2022 gujarat news