કાલોલના વિધાનસભ્ય ફતેસિંહ ચૌહાણે શ્રીરામના નામે અને ૬ વિધાનસભ્યએ સંસ્કૃત ભાષામાં લીધા શપથ

20 December, 2022 12:07 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

૧૮૨ વિધાનસભ્યને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે લેવડાવ્યા શપથ, આજે ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે

પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા.

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ ગઈ કાલે ગુજરાતના તમામ ૧૮૨ વિધાનભ્યોને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે શપથ લેવડાવ્યા હતા, જેમાં કાલોલના બીજેપીના વિધાનસભ્ય ફતેસિંહ ચૌહાણે શ્રીરામના નામે અને ૬ વિધાનસભ્યએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા.

ગાંધીનગરમાં રાજભવન ખાતે ગઈ કાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ વિધાનસભ્ય યોગેશ પટેલને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન હૃષીકેશ પટેલ તેમ જ સંસદીય બાબતોના પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શપથવિધિ બાદ વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે ગુજરાતના વિધાનસભ્યોને શપથ લેવડાવ્યા હતા. યોગેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતના તમામ ૧૮૨ વિધાનસભ્યને શપથ લેવડાવ્યા હતા, જેમાં ૬ સભ્યએ સંસ્કૃતમાં અને ૨ સભ્યએ હિન્દીમાં શપથ લીધા હતા. આવતી કાલે વિધાનસભાનું સત્ર મળશે, જેમાં અધ્યક્ષની ચૂંટણી યોજાશે.’

પ્રભુ શ્રીરામના નામે શપથ લેનાર કાલોલના બીજેપી વિધાનસભ્ય ફતેસિંહ ચૌહાણે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમારી આખી સંસ્કૃતિ રામના નામે ચાલે છે. સંસ્કૃતિ વારસામાં રામનું નામ લેવાય છે, સનાતન ધર્મમાં રામનું નામ લેવાય છે, એટલે મેં શ્રીરામના નામે શપથ લીધા છે.’

શપથવિધિમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન હૃષીકેશ પટેલ, સંસદીય બાબતોના પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્કૃત ભાષામાં શપથ લેનાર અમદાવાદની વેજલપુર બેઠકના બીજેપીના વિધાનસભ્ય અમિત ઠાકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સંસ્કૃત ભાષા અનેક ભાષાની જનની છે. સંસ્કૃત મહાન ભાષા છે અને એના આધાર પર સંસ્કૃતિ રચાઈ છે. એટલે મેં સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા.’ 

national news gujarat election 2022 ahmedabad assembly elections bhupendra patel gujarat news