સુરતમાં બાળકો આગથી બચવા ઝઝૂમતા હતા અને શિક્ષણપ્રધાન મરસિયા સાંભળતા હતા

26 May, 2019 12:26 PM IST  |  રાજકોટ

સુરતમાં બાળકો આગથી બચવા ઝઝૂમતા હતા અને શિક્ષણપ્રધાન મરસિયા સાંભળતા હતા

ફાઈલ ફોટો

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ નામના બિલ્ડિંગમાં આગ લાગી એમાં દેશનું ભાવિ કહેવાય એવા સ્ટુડન્ટ્સ અટવાયા ત્યારે ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ આવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ તાલુકાના રીબડા ગામના મહિપતસિંહ જાડેજાના એક ખાનગી કાર્યક્રમમાં આવ્યા હતા. ૮૦ વર્ષ પૂર્ણ કરવાના માનમાં ભાતીગળ મરસિયાનો કાર્યક્રમ રાખીને મહિપતસિંહે તેમની હાજરીમાં જ પોતાના જીવનકાળનો અસ્ત ઊજવી લીધો હતો, જેમાં હાજરી આપવા આવેલા ભૂપેન્દ્રસિંહ જાડેજા રીબડા જ રોકાયા અને મોડી રાત સુધી તેમણે મરસિયાનો આ કાર્યક્રમ માણ્યો હતો. જોકે આ મરસિયા વચ્ચે તેઓ સુરતમાં ગવાઈ રહેલા સાચા મરસિયા માટે સુરત પહોંચ્યા નહોતા.

આ બાબતમાં ગુજરાતભરમાં ટીકા શરૂ થતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પક્ટતા કરી હતી કે હું રાતે ૧૦ વાગ્યે કાર્યક્રમમાં પહોંચ્યો હતો અને સાડાદસ વાગ્યે નીકળી ગયો હતો. મરસિયાનો જે ડાયરો છે એ રાતે ૧૧ વાગ્યા પછી શરૂ થયો હતો. આ બાબતમાં વાતને ખોટી રીતે વિવાદનું રૂપ આપવામાં આવે છે.

આ પણ વાંચો:ફાયર-સેફ્ટી વિનાનાં બિલ્ડિંગોને જરૂર પડ્યે તાળાં મારી દો: જે. એન. સિંહ

સુરતની આ ઘટના પછી ગુજરાતના મુખ્ય પ્રધાનથી માંડીને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ સુરત પહોંચી ગયા હતા, પણ ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ જાડેજા આટલા સ્ટુડન્ટ્સનાં મૃત્યુ પછી શુક્રવારે સુરત નહોતા પહોંચ્યા એ પણ હકીકત છે.

 

news gujarati mid-day