કોરોના મહામારી વચ્ચે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી યોજાશે?

10 September, 2020 04:28 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

કોરોના મહામારી વચ્ચે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી યોજાશે?

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19) મહામારી વચ્ચે આ વર્ષે નવરાત્રી ઉજવાશે કે નહીં, તે સૌથી મોટો પ્રશ્ન છે. 17 ઓક્ટોબરથી શરૂ થનારી નવરાત્રીના આયોજન માટે ગુજરાત સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જોકે, સરકાર યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)એ એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ખેલૈયા નવરાત્રીની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રી રમવા ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા જરૂર કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે. હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર COVID-19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રીમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, નવરાત્રી યોજાશે કે નહીં આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે લેવામાં આવશે. નવરાત્રી પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય એટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં નવરાત્રીને લઈને ખેલૈયા અને આયોજકો થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી. પરંતુ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે. કોરોના મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને નવરાત્રી પહેલા જાહેરાત કરશે.

નોંધનીય છે કે, જો ગરબાની મંજૂરી આપવામાં આવશે તો થર્મલ સ્ક્રિનિંગ બાદ એન્ટ્રી અને ખેલૈયા માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે. તેની સાથે સાથે સોશ્યલ ડિસ્ટન્સ, મેદાનની લંબાઈ, પહોળાઈ, માસ્ક કે ફેસશિલ્ડ પહેરી રમવું, નેપકીન ફરજિયાત, પાણીની બોટલ સાથે લઈ આવવા જેવી નવરાત્રી ગાઈડ લાઇન આવી શકે છે. એટલે ખેલૈયાઓએ જો રમવું હોય તો આ બધી તૈયારીઓ તો રાખવી જ પડશે.

gujarat Nitin Patel navratri