16 April, 2026 07:17 AM IST | Ahmedabad | Shailesh Nayak
ઉમેદવારી પાછી ખેંચ્યાની પહોંચ સાથે ચિખલોડ બેઠકનાં અપક્ષ ઉમેદવાર ઈલા શર્મા અને ઉમેદવારી પાછી ખેંચ્યાની પહોંચ સાથે ચિખલોડ બેઠકનાં અપક્ષ ઉમેદવાર ધ્રુમા શર્મા.
મધ્ય ગુજરાતના ફાગવેલ તાલુકાના ચિખલોડ ગામની ઘટના: ગામને ફરીથી કપડવંજ તાલુકામાં સમાવવામાં આવે એવી માગણી માટે BJP અને કૉન્ગ્રેસ સહિતની ચારેય મહિલાઓએ ઉમેદવારી પાછી ખેંચી લીધી
ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે લોકો કેવા-કેવા કાવાદાવા કરતા હોય છે ત્યારે મધ્ય ગુજરાતના ફાગવેલ તાલુકાના ચિખલોડ ગામની ચાર મહિલા ઉમેદવારોએ એકસંપ કરીને ગામ માટે રાજકીય પક્ષો સહિત સૌકોઈને લોકશાહીનો સાચો રસ્તો બતાવીને ચોંકાવી દીધા છે. ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ અને બે અપક્ષ સહિત કુલ ચાર મહિલા ઉમેદવારોએ તેમની ઉમેદવારી એકસાથે પાછી ખેંચી હતી જેના કારણે આ બેઠકની ચૂંટણી રદ થવા પામી છે.
ચિખલોડ બેઠક પરથી BJPનાં ભાવના પરમાર, કૉન્ગ્રેસનાં સોનલ પરમાર અને બે અપક્ષ મહિલા ઉમેદવાર ઈલા શર્મા અને ધ્રુમા શર્માએ ગઈ કાલે ચૂંટણી-અધિકારી સમક્ષ હાજર થઈને પોતપોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના બની છે. સંભવિત રીતે ગુજરાતમાં પહેલી વાર એવી ઘટના બની છે જેમાં એક જ બેઠકના તમામ ઉમેદવારોએ સંપીને ઉમેદવારી પાછી ખેંચીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
ઉમેદવારી પાછી ખેંચવાના મુદ્દે અપક્ષ ઉમેદવાર ઈલા શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગામની માગણી સંતોષાઈ નથી એટલે ગામવાસીઓ સાથે મળીને અમે ચારેય ઉમેદવારોએ સાથે મળીને ચૂંટણી-અધિકારી પાસે જઈને સ્વેચ્છાએ અમારી ઉમેદવારી પાછી ખેંચી હતી. અમારું ગામ પહેલાં કપડવંજ તાલુકામાં હતું, પછી ફાગવેલ તાલુકો નવો બનતાં અમારા ગામનો ફાગવેલ તાલુકામાં સમાવેશ કર્યો હતો. અમારા ગામના લોકોની લાગણી અને માગણી સંતોષવા માટે અમારા ગામને ફરી કપડવંજ તાલુકામાં સમાવવા માગીએ છીએ. એના માટે કેટલાય દિવસોથી ગામવાસીઓ પ્રતીક ઉપવાસ કરી રહ્યા છે, પણ કોઈ જોવાય નથી આવતું. ગામવાસીઓની માગણીને કોઈ ધ્યાનમાં નથી લેતું એટલે ગામવાસીઓએ અને અમે ચાર મહિલા ઉમેદવારો નિર્ણય કરીને ચૂંટણી-અધિકારી પાસે ગયાં હતાં. અમારા ગામને ફરી કપડવંજ તાલુકામાં સમાવવામાં આવે એ માગણી અને લાગણી સાથે અમે ચારેય ઉમેદવારોએ ચર્ચા કરીને સ્વૈચ્છિક રીતે અમારી ઉમેદવારી પાછી ખેંચી હતી.’
ફાગવેલના ચૂંટણી-અધિકારી કે.જે. આચાર્યએ મીડિયાને કહ્યું હતું કે ‘ચારેય ઉમેદવારોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી કે અમે સ્વેચ્છાએ કોઈની ધાકધમકી કે દબાણ વગર ચૂંટણી લડવા ઇચ્છતા ન હોવાથી ઉમેદવારી પાછી ખેંચીએ છીએ.’