01 August, 2024 09:10 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના મુખ્ય મથક અમદાવાદમાં ગયા વર્ષની સરખામણીમાં ગુનાખોરીમાં ઘટાડો થયો છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે દાવો કરતાં કહ્યું હતું કે ‘ગયા વર્ષની સરખામણીએ ગુનાઓમાં બાવીસ ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે ગુનાખોરી ઘટી છે અને ક્રાઇમ કાબૂ હેઠળ છે.’
ગઈ કાલે અમદાવાદ પોલીસની ક્રાઇમ-કૉન્ફરન્સ યોજાઈ હતી જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ વર્ષના ૬ મહિના તેમ જ ગયા વર્ષના ૬ મહિનામાં થયેલા વિવિધ ગુનાઓની સરખામણી કરાઈ હતી જેમાં આ વર્ષે ૬ મહિનામાં ૩૯ ખૂનના કેસ, ૪૮ ખૂનની કોશિશના કેસ, ૫૫ લૂંટ, ૧૫૬ અપહરણ અને ૧૪૨ રેપ-કેસ, ૯ ધાડ, ૧૭૦ ઘરફોડ, ૧૯૪૭ ચોરીઓ, ૨૦૭ ઠગાઈ, ૨૭ હંગામા તેમ જ ૮૮૮ ઈજાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત ૪૯૫ સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ કેસ ગયા વર્ષની સરખામણીએ ઓછા છે.