25 May, 2024 09:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેરાવળ જમતખાનામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નજીવી બાબતે ઝગડો થતાં ચાર શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતક હુમલો (Gujarat Crime) કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધ મહિલાને હાથમાં અને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને જુનાગઢ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વેરાવળના રહેવાસી સલામાબેન લાલણીની હુમલાખોરો (Gujarat Crime) સાથે નજીવી બાબતે ઊગ્ર બોલાચાલી થઈ હતી. હુમલાખોરો સમાધાનનું નાટક રચીને સલમાબેનને બીજા દિવસે મળવા પહોંચ્યાં અને તેમના પર આ ઘાતક હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઇજા થતાં તેમને બ્રેઇન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. આ મામલે વેરાવળ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વેરાવળ પોલીસ (Gujarat Crime) દ્વારા આરોપીઓ નુરઅલીભાઈ ઉર્ફે ઉકાભાઈ માંડણભાઈ નાથાણી, મુમતાઝ રામસુભાઈ પડાણિયા, અનિલભાઈ નુરઅલીભાઈ નાથાણી વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૫૦૬(૨) અને જીપીએની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે, “તે એવી રીતે કે, આ કામના ફરીયાદી તથા તેના પતિ સાંજના પોણા સાતેક વાગ્યે પોતાના ઘરની બાજુમાં ખોજાખાનામાં દુવા પઢવા ગયેલ આ વખતે આરોપી નંબર (૧) નાઓએ ફરીને કહેલ કે બે દિવસ પહેલાં કેમ અમારી સાથે બોલાચાલી કરી હતી તેની માફી માગી લે તેમ કહી આરોપી નંબર (૧)થી (૩) નાઓએ સાથે મળી ફરીને ભુંડીગાળો આપી શરીરે ઢીકાપાટુ વડે માર મારી તેમ જ આરોપી નંબર (૨) નાઓએ લાકડાના ધોકોથી ફરિયાદીના વાસાના ભાગે મારેલ આ વખતે ફરીયાદીને છોડાવવા તેમના પતિ વચ્ચે પડતા આરોપી નં (૧) નાએ ફરિયાદીના પતિને શરીરે માર મારી આરોપીએ ફરિયાદી તથા તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજી.સા.ના હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુનો કર્યા બાબત.” પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતની યુવતીને ફિલ્મો અને રિયલિટી શોમાં કામ આપવાની લાલચ આપીને કર્યો બળાત્કાર
સુરતમાં રહેતી ૨૬ વર્ષની એક યુવતીને ફિલ્મો અને રિયલિટી શોમાં કામ અપાવવાના નામે મુંબઈ બોલાવીને તેના પર બળાત્કાર કરવાની ઘટના નાલાસોપારા ખાતે બની છે. આ કેસમાં તુળીંજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરીને આરોપીની ધરપકડ કરી હતી.
સુરતમાં રહેતી આ યુવતી ફિલ્મોમાં કામ કરવા માગતી હતી. થોડા દિવસ પહેલાં તેની ઓળખાણ એક પરિચિત દ્વારા નાલાસોપારાના ૩૫ વર્ષના આનંદ સિંહ સાથે થઈ હતી. આનંદે યુવતીને કહ્યું કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેના ખૂબ સારા સંબંધો છે. તેણે યુવતીને લાલચ આપી હતી કે તેને કેટલીક ફિલ્મો અને કપિલ શર્મા શોમાં કામ કરવા મળશે. ૨૦ મેએ યુવતી નાલાસોપારાના ઘરે આરોપીને મળવા આવી હતી. આ વખતે આનંદે ટીવી અને ફિલ્મમાં કામ અપાવવાની લાલચ આપીને તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદમાં યુવતીએ ના પાડી તો તેની સાથે દુર્વ્યવહાર કરીને તેને માર માર્યો હતો. એથી યુવતીએ તુળીંજ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસે આનંદ સિંહ વિરુદ્ધ બળાત્કાર અને હુમલો કરવાનો અને ધમકી આપવા માટે કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.