Corona Virus Update : ગુજરાતમાં Covid-19નાં કેસની સંખ્યા વધી, કુલ 18

22 March, 2020 01:42 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Corona Virus Update : ગુજરાતમાં Covid-19નાં કેસની સંખ્યા વધી, કુલ 18

નિતીન પટેલ

કોરોનાનો પ્રકોપ ગુજરાતમાં વધતાં કોરોના પૉઝિટીવ કેસની સંખ્યા 14માંથી વધીને 18 પર પહોંચી છે. ગઇ કાલે આ આંકડો 14 પર હતો. નીતિન પટેલના જણાવ્યાપ્રમાણે 18 પૈકી 3 કેસ ગાંધીનગરના જ છે અને 14માંથી 12 કેસ જે લોકો વિદેશમાંથી આવ્યા હતા તેમના હતા.

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસથી દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચ્યો છે અને ભારતમાં પણ આ રોગથી લોકોને બચાવવા કેન્દ્ર સરકારે આજે એક દિવસનો જનતા કરફ્યુ જાહેર કર્યો છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ એકાએક આ રોગના કેસો ઝડપથી વધી રહ્યા હોય એમ કુલ ૧૪ પૉઝિટિવ કેસો મળી આવતાં રૂપાણી સરકારે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને અમદાવાદ સહિત ચાર મુખ્ય શહેરોમાં કોરોના માટે અલગ આઇસોલેટ હૉસ્પિટલ બનાવવાની જાહેરાત કરીને રાજ્યના સૌ નાગરિકોને આજે જનતા કરફ્યુનું પાલન કરીને સવારે ૭થી રાતના ૯ વાગ્યા સુધી ઘરે જ રહેવાની અપીલ કરી છે. જોકે જનતા કરફ્યુના એક દિવસ પહેલાં જ ગઈ કાલે શનિવારે લોકો પર અસર થઈ રહી હોય એમ સામાન્ય જનજીવનને બદલે રસ્તાઓ સૂમસામ જણાતા હતા. ગૃહિણીઓએ પણ શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો વધુ માત્રામાં જમા કરવાનો પ્રયાસ કર્યો હતો. તો દુકાનદારોએ લોકોની ગરજનો ગેરલાભ ઉઠાવીને ઊંચા ભાવે સામાન વેચ્યો હોવાની અનેક ફરિયાદો પણ ઊઠવા પામી હતી.

ભારતને કોરોનાથી બચાવવા ખાસ કરીને ચીન અને ઇટલીમાં જે ભયાનક પરિસ્થિતિ જોવા મળી એમાંથી ભારતને બાકાત રાખવાના પ્રયાસરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસમી માર્ચે જનતા કરફ્યુનો અમલ કરવા કરેલી અપીલના પગલે આજે બાવીસમીએ દેશ આખામાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કલકત્તા સુધી સ્વૈચ્છિક બંધ પળાશે. વિમાન-ટ્રેન-બસો-ટ્રકો-મૉલ-દુકાનો-હોટેલથી લઈને પાનના ગલ્લા સુધી બંધ રહેતાં લોકો પણ ઘરેથી નીકળવાનું ટાળશે અને કમસે કમ એક દિવસ તો લોકો જાહેર સ્થળોએ એકબીજાના સંપર્કથી દૂર રહેતાં કોરોનાનો ચેપ ફેલાવવાની શક્યતા ઓછી થવાની આશા દેશવ્યાપી સરકારી તંત્ર રાખી રહ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં કોરોનાના કેસો નોંધાતા હતા ત્યારે ગુજરાત એનાથી દૂર હતું, પરંતુ હવે ગુજરાત પણ એની ચપેટમાં આવી ગયું છે અને વધુ કેસ પૉઝિટિવ નોંધાતાં સરકાર હરકતમાં આવી છે. સરકાર તરફથી ગઈ કાલે આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું હતું કે ગુજરાતમાં કોરોનાના એક પછી એક કેસ બહાર આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસના ૧૪ જેટલા પૉઝિટિવ કેસ નોંધાયા છે એમાં ૧૨ જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે. જ્યારે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકોને જાણ કરી કે આપણે અત્યારે ફેઝ ૨ અને ૩ની વચ્ચે છીએ એથી આ મહામારીને રોકવા માટે વધુમાં વધુ સાવચેતી રાખવાની છે અને એનો એક જ ઉપાય છે કે આપણે આપણી જાતને બીજાથી દૂર રાખીએ. નોંધનીય છે કે અત્યાર સુધી જેટલા પણ પૉઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે.

તો સીએમ રૂપાણીએ જાહેર કર્યું હતું કે અમદાવાદ, સુરત, રાજકોટ-વડોદરામાં કોરોના માટે આઇસોલેટ હૉસ્પિટલ ઊભી કરાશે. તેમણે આજે સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તો નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરા પહોંચ્યા હતા અને એસએસજી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ લોકોને અને ખાસ કરીને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારાઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે સોશ્યલ મીડિયામાં કોરોના અંગે કે કોઈ અન્ય વાંધાજનક મેસેજ કે લખાણ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દરમ્યાન, સરકારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ઍરપોર્ટ પર ૩૬,૬૧૭ પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં હોમ ક્વૉરન્ટીન હેઠળ ૧૫૦૬ લોકોને રાખવામાં આવ્યા છે.

gujarat covid19 coronavirus