Gujarat: કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું કોરોનાને કારણે અવસાન

14 March, 2022 07:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોવિડ-19 ચેપને કારણે કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું અવસાન થયું છે. જેથી સોમવારે ગુજરાત વિધાનસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.

અનિલ જોશિયારા

કોવિડ-19 ચેપને કારણે કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું અવસાન થયું છે. જેથી સોમવારે ગુજરાત વિધાનસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. 69 વર્ષીય જોશિયારા અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

સોમવારે બપોરે ચેન્નાઈની એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. સોમવારે વિનિયોગ બિલ પર ચર્ચા દરમિયાન, વિરોધ પક્ષના નાયબ નેતા શૈલેષ પરમારે જોશિયારાના મૃત્યુ વિશે વિધાનસભાને માહિતી આપી હતી.

આ પછી તમામ સભ્યોએ બે મિનિટ મૌન પાળ્યું હતું અને સ્પીકર નીમાબેન આચાર્યએ દિવસભર માટે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. જોશિયારાને જાન્યુઆરીમાં ચેપ લાગ્યો હતો. એક મહિના પહેલા તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાંથી ચેન્નાઈ શિફ્ટ કરવામાં આવ્યો હતો.

1995માં પહેલીવાર ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા
વ્યવસાયે સર્જન અનિલ જોશિયારા 1995માં પહેલીવાર ભિલોડા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળની સરકાર દરમિયાન 1996 અને 1997માં આરોગ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

આ પછી વાઘેલાએ 1998માં તેમની રાષ્ટ્રીય જનતા પાર્ટીનું કોંગ્રેસમાં વિલિનીકરણ કર્યું. ત્યારથી તેઓ આ વિધાનસભામાંથી કોંગ્રેસની ટિકિટ પર જીતતા હતા. કોંગ્રેસના નેતાઓએ તેમના નિધનને રાજ્યના રાજકારણની મોટી ખોટ ગણાવી છે.

gujarat gujarat news Gujarat Congress