અમદાવાદીઓએ હેલ્મેટ ન પહેરવા બદલ એક દિવસમાં ભર્યો 5 લાખનો દંડ

02 November, 2019 03:54 PM IST  |  અમદાવાદ

અમદાવાદીઓએ હેલ્મેટ ન પહેરવા બદલ એક દિવસમાં ભર્યો 5 લાખનો દંડ

પ્રતિકાત્મક તસવીર

નવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના પહેલા જ દિવસે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે હેલ્મેટન ન પહેરવાના 992 કેસ કર્યા છે અને કુલ 4, 96, 100 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ જ રીતે સીટ બેલ્ટ ન બાંધવાના 429 કેસ સામે આવ્યા. જેના માટે 2, 14, 500નો દંડ વસૂલ કરવામાં આવ્યો.

ટ્રાફિક પોલીસે આપેલા આંકડા પ્રમાણે સૌથી વધુ 123 કેસ L ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા જ્યારે સૌથી ઓછા F ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા. સીટ બેલ્ટ ન પહેરવાના સૌથી વધુ કેસ E ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા જ્યારે સૌથી ઓછા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા.

DCP ટ્રાફિક તેજસ પટેલના જણાવ્યા પ્રમાણે વાહનચાલકોને શિસ્ત શિખવવા માટેની ડ્રાઈવ શનિવારે પણ યથાવત રહેશે. તેમણે કહ્યું કે આ માત્ર નિયમો લાગૂ પાડવા માટે નહીં પરંતુ તેમને નવા ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરવા માટે પણ છે.

શુક્રવારે લગભગ 3, 800 જેટલા ટ્રાફિકના કર્મચારી, અધિકારીઓ અને જવાનોએ ટ્રાફિક ડ્રાઈવ ચલાવી હતી. ટ્રાફિક પોલીસના અધિકારીઓએ કહ્યું કે 213 મહત્વના જંક્શનને આવરી લેવામાં આવ્યા હતા અને દરેક જંક્શને સાત થી આઠ પોલીસ કર્મચારીને મુકવામાં આવ્યા હતા.

ટ્રાફિક પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાહન ચાલકોએ દંડથી બચવાના રસ્તાઓ પણ શોધી લીધા હતા.કેટલાક લોકોએ હેલ્મેટ નહોતી પહેરી તો પોલીસકર્મીને જોઈને ઝડપથી વાહન હંકારી મુક્યું હતું. તો કોઈએ એવું પણ બહાનું આપ્યું  કે હૉસ્પિટલ પહોંચવાની જલ્દીમાં હેલ્મેટ લેતા ભૂલી ગયા. આશ્રમ રોડ પરના કેટલાક વાહનચાલકોએ તો પોલીસને એવું પણ કહ્યું કે તેમનું વાહન જપ્ત કરી લે, કારણ કે તેમની પાસે આકરો દંડ ભરવાના પૈસા નથી.

આ પણ જુઓઃ Cyclone Maha Update: અમરેલીમાં દરિયો તોફાની થયો, દિવમાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદ

ટ્રાફિક વિભાગના સૂત્રો અનુસાર મોટા ભાગના ટુ વ્હીલરના ડ્રાઈવરોને હેલ્મેટ ન પહેરવા માટે સજા થઈ હતી. તો કારચાલકો સીટ બેલ્ટ ન પહેરવા માટે દંડાયા હતા. લાયસન્સ અને પીયૂસી ન હોય તેમને પણ દંડ કરવામાં આવ્યો હતો.

ahmedabad gujarat