ગુજરાત બંધ : રસ્તાઓ, બજારો સાવ સૂમસામ, સન્નાટો છવાઈ ગયો

22 March, 2020 11:45 AM IST  |  Mumbai Desk | Agencies

ગુજરાત બંધ : રસ્તાઓ, બજારો સાવ સૂમસામ, સન્નાટો છવાઈ ગયો

અમદાવાદ

રાજ્યમાં કોરોનાના ૧૩ પૉઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે જેને પગલે વડા પ્રધાન મોદીએ બાવીસ માર્ચે જનતા કરફ્યુ રાખવા અપીલ કરી છે, પરંતુ ૧૯ માર્ચે બે અને ૨૦ માર્ચે પાંચ પૉઝિટિવ કેસ સાથે પૉઝિટિવ કેસનો આંકડો સાતથી વટાવી ગયો હતો જેને પગલે આજથી જ ગુજરાતમાં લૉકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યની બજારો સહિત ૮૦ ટકા જેટલી કામગીરી ઠપ થઈ ગઈ છે. એની સાથે-સાથે રસ્તાઓ પણ સૂમસામ થઈ ગયા છે અને ભાગ્યે જ કોઈ વાહન જોવા મળી રહ્યાં છે.

ખાસ કરીને રાજ્યના ચાર મોટાં શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મૉલ, મલ્ટિપ્લેક્સ, કાપડ બજારો, દુકાનો, પાનના ગલ્લા, ચાની કિટલીઓ, માર્કેટ યાર્ડ, સહિત બંધ જોવા મળે છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું એવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ બાવીસ માર્ચથી બે એપ્રિલ સુધી બંધ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં પણ મુખ્ય બજારો બંધ જોવા મળી છે. શહેરની ગુંદાવાડી, ધર્મેન્દ્રસિંહજી માર્કેટ, ધી કાંટા રોડ, પરા બજાર, લાખાજીરાજ રોડ અને કોઠારીયા નાકા સહિતની બજારો બંધ છે.

સુરતના રસ્તા ખાલીખમ

કોરોનાથી બચવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જનતા કરફ્યુની અપીલ કરી છે. એનો પ્રતિસાદ ગઈ કાલે સવારે સુરતમાં જોવા મળ્યો છે. વહેલી સવારે સુરતના મોટા ભાગના રસ્તાઓ સૂમસામ દેખાયા હતા. રોજ ટ્રાફિકથી ધમધમતો રીંગ રોડ વિસ્તાર ગઈ કાલે વહેલી સવારે ખાલીખમ જોવા મળ્યો હતો. કલેક્ટરે ખાણી પીણીની દુકાનોમાં માત્ર પાર્સલની જ છૂટ આપી હતી છતાં કેટલીક ફરસાણની દુકાનો પર લોકો નાસ્તો કરતા જોવા મળ્યા હતા. આવી દુકાનો સામે હવે મ્યુનિસિપલ તંત્ર આકરાં પગલાં ભરશે એવી ચીમકી આપી છે. ટ્રાફિકથી ધમધમતા અડાજણ રોડ, રીંગ રોડ, પાર્લે પૉઇન્ટ જેવા વિસ્તારમાં ભાગ્યે જ વાહનો જોવાં મળી રહ્યાં છે. 

gujarat coronavirus covid19