ચીખલીના BJPના ગ્રુપમાં ગાંધીજીને ગણાવ્યા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા, વિવાદ

31 May, 2020 10:14 AM IST  |  Chikhli | Agencies

ચીખલીના BJPના ગ્રુપમાં ગાંધીજીને ગણાવ્યા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા, વિવાદ

મહાત્મા ગાંધીજી

નવસારી જિલ્લામાં ગત રાત્રે વૉટ્‌સએપમાં બીજેપી ચીખલીના નામે ચાલતા ગ્રુપમાં મહાત્મા ગાંધીજી બાબતે અભદ્ર ટિપ્પણી કરેલ પોસ્ટનો સ્ક્રીનશોટ વાઇરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ અને કમેન્ટ બાબતે અનેકવાર વિવાદો થતા રહે છે ત્યારે વિવેકચૂકની હદ વટાવતી ઘટનામાં બીજેપી ચીખલી, વલસાડ ગ્રુપમાં મહાત્મા ગાંધીજીના ફોટા સાથે પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, આટલું ઓછું હોય ત્યાં એક ગ્રુપ મેમ્બરે તો નાથુરામ ગોડસે જિંદાબાદ પણ કરી દીધું હતું.

નવસારી જિલ્લાના ઐતિહાસિક સ્થળ દાંડી સાથે ગાંધીજીના સંસ્મરણો જોડાયેલ છે ત્યારે આ ઘટનાની ખૂબ જ ટીકા થઈ રહી છે તો સાથોસાથ રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે ચીખલી પીઆઈ ડી. કે. પટેલનો સંપર્ક સાધતા તેઓ આ ઘટનાથી અજાણ હોવાનું અને આવું હશે તો કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ચીખલી-વાંસદાના કૉન્ગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી છે. તેઓ ગુજરાતના જ છે ત્યારે ગુજરાતના જ બીજેપીના કેટલાક લોકો સોશ્યલ મીડિયાના બીજેપીના ગ્રુપમાં ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી કરે છે તે ખેદજનક છે. આનાથી બીજેપીની વિકૃત માનસિકતા છતી થાય છે. જેના પર ફૌજદારી ગુનો દાખલ થવો જોઈએ. આવનારા સમયમાં કૉન્ગ્રેસના ધારાસભ્ય તરીકે અને આગેવાનો ફરિયાદ પણ દાખલ કરશે અને દેખાવો પણ કરશે.

માજી ચીખલી તાલુકા બીજેપી પ્રમુખ ડૉ. અશ્વિન પટેલે જણાવ્યું હતું કે ચીખલી બીજેપી ગ્રુપમાં જે પણ વ્યક્તિએ ગાંધીજી વિશે ટિપ્પણી કરી છે એ બિલકુલ ગેરવાજબી છે. આ બિલકુલ યોગ્ય નથી. યુવાનની ઓળખ કરી લેવામાં આવી છે. તે બીજેપીનો હોદ્દેદાર નથી. આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરાશે.

gujarat mahatma gandhi