ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગુજરાતીઓને પછાત કહેતાં વિવાદ

12 June, 2020 01:32 PM IST  |  New Delhi | Agencies

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગુજરાતીઓને પછાત કહેતાં વિવાદ

વિજય રૂપાણી

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ એક ટ્વીટમાં ગુજરાતીઓને સાંસ્કૃતિક રીતે પછાત કહેતાં વિવાદ ભડક્યો છે. ગુહાએ પોતાના ટ્વીટમાં ફિલિપ સ્પ્રાટને ટાંકતાં લખ્યું છે કે આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં ગુજરાત સાંસ્કૃતિક રીત પછાત પ્રાંત છે, જ્યારે એનાથી વિરુદ્ધ બંગાળ આર્થિક રીતે પછાત હોવા છતાં સાંસ્કૃતિક રીતે આગળ છે. પોતાના ટ્વીટમાં ગુહાએ લખ્યું છે કે ૧૯૩૯માં ફિલિપ સ્પ્રાટે આવું લખ્યું હતું.

ગુહાના ટ્વીટથી ભડકી ગયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જવાબમાં લખ્યું છે કે ‘પહેલાં અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અનુસરતા હતા. હવે બૌદ્ધિકોનું જૂથ ભારતીયોમાં ભાગલા પડાવી રહ્યું છે. દેશ ક્યારેય આ પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓમાં નહીં ફસાય. ગુજરાત મહાન છે, બંગાળ પણ મહાન છે અને ભારત એક છે.’

રૂપાણીએ એમ પણ લખ્યું હતું કે ગુજરાતનાં સાંસ્કૃતિક મૂળિયાં મજબૂત છે તેમ જ એની આર્થિક મહત્ત્વાકાંક્ષાઓ પણ બુલંદ છે. ગુજરાતને પછાત કહેનારી ગુહાની ટ્વીટ પર લોકોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો છે. ઘણા યુઝર્સે રૂપાણીએ ગુહાને આપેલા જવાબનાં વખાણ પણ કર્યાં છે.

gujarat gandhinagar Vijay Rupani