ફાયર-સેફ્ટી વિનાનાં બિલ્ડિંગોને જરૂર પડ્યે તાળાં મારી દો: જે. એન. સિંહ

26 May, 2019 12:13 PM IST  | 

ફાયર-સેફ્ટી વિનાનાં બિલ્ડિંગોને જરૂર પડ્યે તાળાં મારી દો: જે. એન. સિંહ

ફાઈલ ફોટો

શુક્રવારનો દિવસ સુરતવાસીઓ માટે કાળો દિવસ સાબિત થયો હતો. સરથાણા જકાતનાકા પાસેના તક્ષશિલા આર્કેડમાં ભયાનક આગ લાગી હતી. આ જ બિલ્ડિંગમાં ક્લાસિસ ચાલતા હોવાથી વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે રીતસરના ત્રીજા માળેથી કૂદકા મારવા પડ્યા હતા. આગની હોનારત અને જીવ બચાવવા માટે નીચે કૂદેલા અમુક વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો હતો. સુરતમાં આગની ભયાનક હોનારત બાદ ગુજરાત સરકાર સફાળી જાગી હતી અને ગુજરાતની તમામ પાલિકાઓને ફાયર-સેફ્ટીનું ચેકિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતના ચીફ સેક્રેટરી જે. એન. સિંહે ‘મિડ-ડે’ને આપેલી એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘સુરતમાં બનેલી આગની ગોઝારી ઘટનામાં ૨૧ વિદ્યાર્થીઓનાં મોત થયા બાદ ગુજરાતઆખામાં જે બિલ્ડિંગોમાં ફાયર-સેફ્ટીના નિયમનું પાલન કરવામાં નથી આવતું એવાં બિલ્ડિંગોને ઓળખી કાઢીને એની સામે કાર્યવાહી કરો અને જરૂર પડ્યે એ ઇમારતોને તાળાં મારી દો.’

ફાયર-સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારાં બિલ્ડિંગોનું ઇન્સ્પેક્શન કરવા માટે ગુજરાતની તમામ મ્યુનિસિપાલિટી અને નગરપાલિકાની ટીમના હજારો કર્મચારીઓ ફરી વળ્યા હતા. અનેક ઠેકાણે નોટિસ ફટકારવામાં આવી હતી તો અનેક ઠેકાણે ક્લાસિસોને તાળાં પણ મારી દેવામાં આવ્યાં છે.

મ્યુનિસિપાલિટી અને નગરપાલિકાની ટીમ જે વિસ્તારોમાં ચેકિંગ કરવા ગઈ હતી એમાં નર્મદામાં ૨૯ જણની બનેલી ૯ ટીમ, અરાવલીના અર્બન અને રૂરલ વિસ્તારમાં ૧૮ ટીમ, ગીર સોમનાથમાં ૩૮ જણની ૯ ટીમ, નવસારી જિલ્લામાં ૮૩ સભ્યોની બનેલી ૨૨ ટીમ, ભાવનગરમાં ૪૦ સભ્યોની ૧૦ ટીમ, રાજકોટનાં ૩૦ શહેરમાં ૨૨૮ કર્મચારીઓની બનેલી ૬૨ ટીમ, પાટણમાં ૬ ટુકડી, જૂનાગઢમાં ૭૭ જણની ૧૧ ટીમનો સમાવેશ હતો. એ ઉપરાંત અમરેલીમાં ૧૬ જણની ચાર ટીમ, સાવરકુંડલામાં ૮ જણની બે ટીમ અને રાજુલામાં ૮ જણની બે ટીમે તપાસ કરીને કાર્યવાહી કરી હતી.

gujarati mid-day news