સુરતના રસ્તા પર સળગતી કાર દોઢ કિલોમીટર સુધી દોડતી રહી

22 May, 2019 07:18 AM IST  |  સુરત

સુરતના રસ્તા પર સળગતી કાર દોઢ કિલોમીટર સુધી દોડતી રહી

સળગતી કાર

સુરતના કતારગામ વિસ્તારમાંથી પસાર થતી એક કારમાં રાતે અચાનક આગ લાગતાં એની બ્રેક કામ કરતી બંધ થઈ ગઈ હતી અને સળગતી અવસ્થામાં એ કાર દોઢેક કિલોમીટર દૂર સુધી દોડતી રહી. સળગતી અવસ્થામાં ભાગતી આ કારને રોકવાનું કામ કતારગામમાં આવેલા ‌મ‌ીનાક્ષીવાડી ફળ‌િયાના યંગસ્ટર્સે કર્યું હતું. બન્યું એવું કે ગરમીને કારણે રાતે બહાર રસ્તા પર વાતો કરતા બેઠેલા આ યુવકોના ધ્યાનમાં સળગતી કાર આવી એટલે તેમણે તરત બાઇક પર એ કારની પાછળ જઈને કારની આડશમાં ટ્રી-ગાર્ડ અને ટ્રાઇસિકલ જેવી બીજી ભારેભરખમ વસ્તુઓ નાખીને આડશ ઊભી કરી હતી, જેને લીધે થોડી આગળ ખેંચાઈને કાર ઊભી રહી ગઈ હતી.

ઊભી રહી ગયેલી કારના દરવાજા ખોલીને આ યુવકોએ અંદર બેઠેલા પરિવારને તરત બહાર કાઢ્યો હતો. કારમાં એક બાળક સહિત પાંચ જણ બેઠા હતા. નસીબજોગે પરિવારના કોઈ પણ સભ્યને ગંભીર ઈજા થઈ નહોતી, પણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડનું પ્રાથમિક તારણ એવું છે કે કારના વાયરિંગમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય.

surat gujarat